- 18થી 45 વર્ષ સુધીના લોકોને મળશે ફ્રીમાં વેક્સિન
- 1 મેથી રાજ્યભરમાં લોકોને અપાશે વેક્સિન
- કોર કમિટીની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય
ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા હેતુસર કોરોના વેક્સિન ડોઝ અન્વયે પૂણેની સિરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી કોવિશિલ્ડ વેક્સિન ના 1 કરોડ ડોઝ તેમજ હૈદરાબાદની ભારત બાયોટેક પાસેથી કોવેક્સિનના 50 લાખ ડોઝ મેળવવા માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. જેના આધારે રાજયના લોકોને ફ્રીમાં વેક્સિન આપવામાં આવશે.
રસીકરણમાં ગુજરાત મોખરે
મુખ્યપ્રધાન રૂપાણીએ કોર કમિટીની બેઠકમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનના માર્ગદર્શનમાં આગામી 1 મેથી દેશભરમાં 18 થી 45 વર્ષની વયના લોકો માટે કોરોના રસીકરણ અભિયાનમાં ગુજરાત દોઢ કરોડ રસીકરણ ડોઝ દ્વારા પોતાનું યોગદાન આપશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 6000 જેટલા સરકારી અને ખાનગી રસીકરણ કેન્દ્રો મારફતે આરોગ્ય કર્મીઓ, ફ્રન્ટ લાઈન વર્કર્સ અને 45થી વધુની વયના નાગરિકોના રસીકરણમાં ગુજરાત અગ્રેસર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1 કરોડ 13 લાખ જેટલા વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે. મુખ્યપ્રધાને હવે રસીકરણનું આ અભિયાન જિલ્લા અને તાલુકા કક્ષા સુધી આયોજપૂર્વક વ્યાપક બનાવી રાજ્યમાં 18થી 45 વર્ષની વયના પાત્રતા ધરાવતા દરેક વ્યક્તિનું રસીકરણ થાય તે વ્યવસ્થાઓ ગોઠવવા કોર કમિટીની બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું.
ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે
18થી 45 વર્ષની વયના લોકોએ રસીકરણ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કો-વિન પોર્ટલ પર તારીખ 28 એપ્રિલથી કરાવી શકશે અને તેના આધારે તેમને રસીકરણ અંગેની જાણ કરાશે. મુખ્યપ્રધાને કહ્યું કે, કોરોનાથી બચવાનો અમોધ ઉપાય રસીકરણ છે. ત્યારે રાજ્યમાં હાલ જે રીતે રસીકરણ અભિયાન વેગવાન બન્યું છે. તે જ રીતે હવે આગામી 1 મેથી 18થી 45 વર્ષની વયના તમામ લોકોને કોરોના વેક્સિનથી સુરક્ષિત કરવા વરિષ્ઠ સચિવો સહિત જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારીઓ કર્મચારીઓ પોતાનું દાયિત્વ નિભાવે તે આવશ્યક છે.