- કેન્દ્ર સરકાર બાદ ગુજરાત સરકાર રજૂ કરશે પેપરલેસ બજેટ
- બજેટ માટે મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરાઇ
- ગત 5 વર્ષના બજેટ હવે મોબાઈલ એપ્લિકેશનમાં જોવા મળશે
ગાંધીનગર : કેન્દ્ર સરકારે લોકસભામાં બજેટ રજૂ કર્યું છે, જે પેપરલેસ બજેટ તરીકેની જાહેરાત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને હવે ગુજરાત સરકાર પણ 3 માર્ચના રોજ વિધાનસભા ગૃહમાં પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે. આ માટે ગુજરાત સરકારના નાણા વિભાગ દ્વારા ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશન પણ તૈયાર કરવામાં આવી છે, આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરીને સમગ્ર બજેટની કાર્યવાહી લાઈવ નિહાળી શકાશે. આ બજેટ એપ્લિકેશનનું લોન્ચિંગ શુક્રવારના રોજ નાણા પ્રધાન નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું છે.
નાણાકીય ખર્ચમાં ઘટાડો થશે
મોબાઇલ એપ્લિકેશનના લોન્ચિંગ દરમિયાન રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ અગાઉ બજેટ માટે બે પુસ્તકો બનાવવામાં આવતા હતા. જેમાં કોલસા વિભાગ અને ખાણ વિભાગનો સમાવેશ થતો હતો. જ્યારે વર્તમાન વર્ષે હવે મોબાઈલ એપ્લિકેશનથી પેપરલેસ બજેટ કરી દેવામાં આવ્યું છે, ત્યારે ચાલુ વર્ષે બજેટના સામગ્રી અને પુસ્તકો છાપવામાં આવશે નહીં. ફક્ત 20 ટકા જેટલી જ બજેટની સામગ્રી બનાવવામાં આવશે. જે વિધાનસભાની લાઇબ્રેરીમાં વિરોધ પક્ષના ઓફિસમાં આપવામાં આવશે. જ્યારે અન્ય તમામ લોકો મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી ગુજરાતનું બજેટ નિહાળી શકશે, આમ પુસ્તકોના છાપવાના ખર્ચ ઘટશે.
ગત 5 વર્ષના બજેટ એપ્લિકેશનમાં જોઈ શકશે
રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે મોબાઇલ એપ્લિકેશન વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશનમાં ગત 5 વર્ષના રાજ્યના બજેટમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત અલગ અલગ વિભાગ માટે કેટલા પ્રકારનું બજેટ વાપરવામાં આવ્યું છે, કેટલું બજેટ છે, તે અંગેની પણ વિસ્તૃત માહિતી મોબાઇલ એપ્લિકેશનમાં આપવામાં આવશે. આમ કોઈપણ વ્યક્તિને જૂનુ બજેટ જોવું હોય તો તેમને ગત 5 વર્ષના બજેટ પણ જોઈ શકશે.
આજ સુધી બજેટ નથી થયું લીક
ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી અલગ થયું ત્યારથી ગુજરાતનું પ્રથમ બજેટ વર્ષ 1961માં વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું. વર્ષ 1961 અત્યાર સુધીમાં અનેક બજેટ રજૂ કરવામાં આવ્યા છે, ત્યારે ગુજરાતનું બજેટ અત્યાર સુધીમાં લીક ન થયું હોવાનું નિવેદન પણ રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે આપ્યું હતું. આ સાથે જ બજેટ તૈયાર કરતા સમયે અને સામગ્રી તૈયાર કરાવતા સમયે સરકારી પ્રેસ ખાતે પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે, તેમ નીતિન પટેલે જણાવ્યું હતા.