- કોવિડ-19 સંક્રમણ સ્થિતીમાં આ વર્ષ પૂરતું મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન
- મેડીકલ-પેરામેડીકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે લાગુ કરાયો નિર્ણય
- 50 ટકા ગુણ આંતરિક મુલ્યાંકન અને 50 ટકા ગુણ અગાઉના સેમિસ્ટરના આધારે
ગાંધીનગર: શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મુખ્યપ્રધાન રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીના આ નિર્ણયની વિગતો આપતાં જણાવ્યું કે, રાજ્ય સરકારે આ વર્ષે કોવિડ-19 કોરોના સંક્રમણની વ્યાપક પરિસ્થિતીમાં શાળા-કોલેજોમાં શિક્ષણકાર્યને પડેલી અસરને ધ્યાનમાં લઇને આ મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન માત્ર આ વર્ષ પૂરતું આપવાનો નિર્ણય કર્યો છે.
9.50 લાખ વિદ્યાર્થીઓને મળશે પ્રોગેશનનો લાભ
ચૂડાસમાએ કહ્યું કે, રાજ્ય સરકારે કરેલા આ મેરિટ બેઇઝડ પ્રોગ્રેશનના નિર્ણયનો લાભ સરકારી અને ખાનગી યુનિવર્સિટી તથા કોલેજોના મેડીકલ-પેરામેડીકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમેસ્ટર 2, 4 અને જ્યાં સેમેસ્ટર 6 પણ ઇન્ટરમિડીયેટ હોય તેવા વિદ્યાર્થીઓને મળશે. આવા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા અંદાજે 9.50 લાખ જેટલી થવા જાય છે એમ તેમણે ઉમેર્યુ હતું.
પ્રાયોગિક પરીક્ષા લેવાઈ હશે તે કિસ્સામાં…
શિક્ષણપ્રધાને ઇન્ટરમિડીયેટ સેમિસ્ટરના વિદ્યાર્થીઓને અપાનારા મેરિટ બેઇઝડ પ્રોગ્રેશનની પદ્ધતિ અંગે વિસ્તૃત સમજ આપતાં જણાવ્યું કે, આ હેતુસર માર્કસની ગણતરી માટે 50 ટકા ગુણ આંતરિક મૂલ્યાંકનના આધારે અને બાકીના 50 ટકા ગુણ તુરતના અગાઉના-પ્રિવીયસ-સેમિસ્ટરના આધારે આપવામાં આવશે. જો યુનિવર્સિટી-કોલેજો દ્વારા પ્રાયોગિક પરીક્ષા લેવામાં નહિં આવી હોય તો ત્યાં 50 ટકા ગુણ આંતરિક મુલ્યાંકનના આધારે અને બાકીના 50 ટકા ગુણ તુરતના અગાઉના પ્રિવીયસ સેમિસ્ટરના આધારે ગણાશે. જે કિસ્સાઓમાં પ્રાયોગિક પરીક્ષા લેવાઇ હશે તેવા કિસ્સામાં પરીક્ષામાં મેળવેલ ખરેખર ગુણ ધ્યાને લેવાશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.