કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના એક મિશન સાથે થઈ હતી. ગૌ વંશની રક્ષા માટે સૌથી મહત્વનું કાર્ય દૂધાળા પશુધનની નસલ સુધારણા પ્રણાલીને મજબૂત બનાવવાનું છે. માનવનો પશુધન સાથે સીધો સંપર્ક રહ્યો છે. માનવ જીવનને સ્વસ્થ બનાવવાથી માંડીને કૃષિ અને રોજિંદા જીવનમાં પશુઓ મિત્ર જેમ જોડાયેલા છે પરંતુ, ટેકનોલોજીએ પશુધનની મહત્તા ઓછી કરી છે. નસલની જાળવણી નહીં થવાથી દુધાળા પશુધનની સંખ્યા ઘટતી જાય છે અને પશુઓ રસ્તા પર રખડતા થયા છે. આવા સંજોગોમાં યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓ પશુ સહાયક ટેકનોલોજીનો વિકાસ કરે અને પશુ-માનવ વચ્ચેના સહયોગી સંબંધને પુનઃસ્થાપિત કરે તેવી આશા રાજ્યપાલે વ્યક્ત કરી છે.
ભારત દેશ કુલ ખનીજતેલના 80 ટકાની આયાત કરે છે. જેની પાછળ મોટું વિદેશી હૂંડિયામણ ખર્ચ થાય છે. કૃષિ ક્ષેત્ર વધુ ખનીજતેલનો ઉપયોગ કરનારા ક્ષેત્રો પૈકીનું એક છે. આવા સંજોગોમાં પશુધન જો કૃષિ સહાયક બનશે, તો ખનીજ તેલનો વપરાશ ઓછો થશે, અને રાષ્ટ્રની તિજોરી પરનું ભારણ ઘટશે. પશુધન આધારિત ટેકનોલોજી અને કૃષિની હિમાયત પણ આચાર્ય દેવવ્રતે કરી હતી.
દુધાળા પશુઓની નસલ સુધારણા માટે ગૌશાળામાં આશ્રય લેતી ગાયના વર્ગીકરણ ઉપર અને શ્રેષ્ઠ ઓલાદના નંદી દ્વારા સુધારણા પર તેમણે ભાર મૂક્યો હતો, એટલું જ નહીં એક ગૌશાળામાં બે-અઢી વર્ષના સમયગાળા બાદ નંદીની ફેરબદલી કરવા પણ અનુરોધ કર્યો હતો. જેથી ગાયની ભાવિ પેઢી ઉચ્ચ નસલવાળી બને. રાજ્યપાલે પશુધનના બ્રિડિંગ માટે કિસાનોને પૂરતી જાણકારી આપવા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલે કહ્યું કે, દેશના આર્થિક વિકાસમાં પશુપાલન વ્યવસાયનો મોટો ફાળો છે અને પશુપાલ ક્ષેત્રનો સતત વિકાસ થઈ રહ્યો છે. તાજેતરમાં થયેલા પશુધન ગણતરીમાં ગુજરાતનું પશુધન 237 લાખનું છે અને પશુધન ગણતરી આંકડા મુજબ દેશી માદા ઓલાદોની સંખ્યામાં 10 ટકા વધારો નોંધાયો છે. જે ગુજરાત માટે સારા સમાચાર સમાન છે. કામધેનું યુનિવર્સિટીએ 10 વર્ષમાં ગુણવત્તાલક્ષી શિક્ષણ થકી પશુપાલન, ડેરી ઉદ્યોગ તથા મત્સ્ય પાલન ક્ષેત્રે સંશોધન દ્વારા રાજ્યના લોકોની સમૃદ્ધિ માટે નવી તકો ઊભી કરી છે ત્યારે, આપ સૌ પણ ડેરી પશુપાલન ક્ષેત્રે જે પડકારો ઊભા થાય તેનું તમારા જ્ઞાન અને કુનેહથી લોકહિતમાં ઉકેલ લાવશો અને રાજ્ય-દેશ નહીં પરંતુ સમગ્ર વિશ્વના કૃષિ વિકાસમાં ભાગીદાર બનશો એવી આશા છે.
દેશની GDPમાં માત્ર ડેરી અને પશુપાલન ક્ષેત્રનું હાલમાં 4 ટકા યોગદાન છે. સમગ્ર વિશ્વમાં છેલ્લા બે દાયકાથી સૌથી વધુ ઉત્પાદન કરતાં દેશની યાદીમાં ભારત ટોપ પર રહેલો દેશ છે, એટલું જ નહીં હાલની સ્થિતિએ ભારત દેશમાં પ્રતિદિન 48 કરોડ લીટર દૂધ ઉત્પાદન થાય છે. એટલે કે, વિશ્વમાં કુલ ઉત્પાદનની સરખામણીમાં ભારતનું યોગદાન 20 ટકા જેટલું છે. જે વર્ષ-1970માં પાંચ ટકા જ હતું. માત્ર દૂધ ઉત્પાદન ક્ષેત્રમાંથી ભારત દેશના સાત લાખ કરોડની આવક છે, જે અનાજ અને કઠોળ-દાળના ઉત્પાદનની આવક કરતાં પણ વધુ છે. વર્ષ-2033-34 સુધીમાં ભારતમાં 91 કરોડ લીટર દૂધ ઉત્પાદન પ્રતિદિન થતું હશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.