- નીતિન પટેલે કહ્યું દુષ્કૃત્ય કરનારા 11 પૈકી કેટલાક સગીર વયના
- મુખ્યપ્રધાન દ્વારા ગૃહ વિભાગને કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ
- કોંગ્રેસ પ્રવક્તાએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પર પ્રહાર કર્યા
ગાંધીનગર : દાહોદના ધાનપુરની ઘટના એટલી હદ સુધી શરમનાક હતી કે, જેમાં મહિલાની જાહેરમાં આબરૂ ઉતારવામાં આવી હતી. મહિલાના કપડા ફાડીને તેણીના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. આ ઘટનાના પડઘા ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટની બેઠકમાં પણ પડ્યા હતા. આ ઘટના અંગે મુખ્યપ્રધાન દ્વારા ગૃહ વિભાગને દાખલો બેસાડાય તે પ્રકારે કાર્યવાહી કરવા સૂચના આપી છે. જ્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકારની નીતિ અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા.
જાણો શું કહ્યું નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ?
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, દુષ્કૃત્ય કરનારા 11 જેટલા ઈસમો સગીર વયના છે. જેથી તેમની સામે એ પ્રમાણેના કાયદાને જોતા કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુખ્યપ્રધાન રૂપાણીએ ખુદ પ્રદિપસિંહને સૂચના આપી છે કે, સમગ્ર બનાવને ગંભીરતાથી લઇને દાખલો બેસાડાય તે પ્રકારે કડકમાં કડક કાર્યવાહી કરાય. તેમણે વધુમાં કહ્યું કે, આ પ્રકારના ગુનામાં કોઈ દિવસ કોઈ વ્યક્તિ આવી દુષ્કૃત્ય મહિલા પર બહેનો પર કે પત્ની પર કે દીકરી પર ક્યારેય ન કરે તેવો દાખલો બેસે તે પ્રકારની સૂચના આપવાની પ્રદીપસિંહને મુખ્યપ્રધાને સૂચના આપીને ઝડપથી કાર્યવાહી કરવામાં આવશે.
જાણો શું કહ્યું પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનીષ દોશીએ ?
દાહોદમાં બનેલી આ ઘટના અંગે ગુજરાત કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, આ જે ઘટના સામે આવી છે, તે મહિલા પર અત્યાચારની શરમજનક ઘટના છે. આ ઘટના સરકારના ભ્રષ્ટ તંત્ર અને મહિલા સુરક્ષાની પોકળ વાતો કરતી સરકારની પોલ ખુલ્લી પાડી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, મીડિયાના માધ્યમથી ગૃહવિભાગને પૂછવા માંગી રહ્યો છું કે, ગુજરાતમાં કાનૂન નામની કોઈ વસ્તુ રહેલી છે કે નહીં? ગુજરાતમાં પોલીસની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે કે નહીં? હાલ ગુજરાત તાલિબાની તરફ જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.