- વધતા કેસોને નિયંત્રણમાં રાખવા ગુજરાત સંપૂર્ણ સજ્જ છેઃ મુખ્યપ્રધાન
- દૈનિક સરેરાશ 1.50 લાખ વેક્સિનેશનને વધારીને 3 લાખ સુધી લઈ જવાયા
- માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વધારી સઘન સારવાર-નિયંત્રણ-સર્વેલન્સ પગલાં
- ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો વધુ કડકાઇથી અમલ
ગાંધીનગર: વડાપ્રધાને દેશના રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે સંબંધિત રાજ્યોમાં કોરોના સંક્રમણની પરિસ્થિતી અને રાજ્ય સરકારો દ્વારા તે સંદર્ભમાં હાથ ધરાઇ રહેલા ઉપાયોની સર્વગ્રાહી સમીક્ષા વિડીયો કોન્ફરન્સથી હાથ ધરી હતી. વિજયભાઇ રૂપાણી, નીતિનભાઇ પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન સહિતના વરિષ્ઠ સચિવો સાથે આ બેઠકમાં ગાંધીનગરથી જોડાયા હતા.
આ પણ વાંચો: રાજકોટ ગ્રામ્યમાં કોરોના કેસમાં વધારો, જિલ્લામાં 50 ધન્વંતરી રથ શરૂ કરાયા
'દવાઈ ભી ઓર કડાઈ ભી'નો મંત્ર આપતા વડાપ્રધાન મોદી
મુખ્યપ્રધાન રૂપાણીએ ગુજરાતમાં કોરોનાના હાલના વધતા કેસો સામે આરોગ્યલક્ષી પગલાંઓની વિસ્તૃત જાણકારી વડાપ્રધાનને આપી હતી. વિજયભાઇએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કોરોના સંક્રમણ નિયંત્રણ સામે જે મંત્ર ‘દવાઇ ભી ઔર કડાઇ ભી’ આપ્યો છે.
આ પણ વાંચો: કોરોનાના વધતા કેસો પર ચિંતા, મુખ્યપ્રધાનો સાથે વડાપ્રધાનની આજે બેઠક
ધનવંતરી રથની સંખ્યા પણ વધારી છે
તેમણે આ સંદભર્માં કહ્યું કે, રાજ્યમાં જે જિલ્લાઓ અને કોર્પોરેશન વિસ્તારોમાં કોરોના કેસોની સંખ્યા વધી છે. ધનવંતરી રથ અને સર્વેલન્સ વધુ તેજ ગતિએ કાર્યરત કરાયા છે. સમગ્ર રાજ્યમાં 775 ધનવંતરી રથ સેવારત છે. સમગ્ર રાજ્યમાં સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્કના નિયમોનું કડકાઇથી પાલન કરાવીયે છીએ. એટલું જ નહિ, આ નિયમોનું પાલન ન કરનારા વ્યક્તિઓ પાસેથી દંડ પણ વસુલવામાં આવે છે.
કન્ટેનમેન્ટ ઝોનમાં સર્વેલન્સ વધાર્યું છે
રાજ્યમાં કોરોના કેસોની સંખ્યા વધતાં કન્ટેનમેન્ટ ઝોન પણ વધારીને ત્યાં સર્વેલન્સ સઘન કર્યુ છે. આવા, 3146 કન્ટેનમેન્ટ ઝોન રાજ્યભરમાં છે અને 4000થી વધુ મેડિકલ ટીમની મદદથી સર્વેલન્સ હાથ ધરાઇ રહ્યું છે. વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાનને ગુજરાતમાં કોવિડ-19 વેક્સિનેશનની વ્યાપક કામગીરીથી અવગત કરાવતાં કહ્યું કે, ગુજરાત વેક્સિનેશનમાં દેશમાં અગ્રીમ હરોળમાં છે. અત્યાર સુધીમાં 22 લાખ 15 હજાર વ્યક્તિઓને કોવિડ-19 વેક્સિનનો પહેલો ડોઝ અને 5.42 લાખને બીજો ડોઝ પણ અપાઇ ગયો છે. રાજ્યમાં હાલ રોજના સરેરાશ 1.50 લાખ લોકોનું વેક્સિનેશન કરાય છે. તે વધારીને સરેરાશ દરરોજ 3 લાખ કરવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
ચાર શહેરમાં રાત્રે 10 વાગ્યાથી 6 વાગ્યા સુધી કરફ્યૂ નંખાયો
મુખ્યપ્રધાને આ કોન્ફરન્સમાં એમ પણ જણાવ્યું કે, રાજ્યના ચાર મહાનગરોમાં તા.31 માર્ચ સુધી રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફયૂનો અમલ કરાવાઇ રહ્યો છે. સાથો-સાથ રેલવે સ્ટેશન, એરપોર્ટ્સ અને રાજ્યની સરહદો સાથે જોડાયેલા માર્ગો દ્વારા ગુજરાત આવતા યાત્રિકો-વ્યક્તિઓનું સ્કિનીંગ પણ કરવામાં આવે છે અને લક્ષણો ધરાવતા લોકોના રેપીડ ટેસ્ટ કરીને તાત્કાલિક જરૂરી ઇલાજ સુવિધા આપીએ છીએ. મુખ્યપ્રધાને કોવિડ-19 નિયંત્રણ માટેના કેન્દ્ર સરકારના જે દિશા નિર્દેશો અપાશે તેનો રાજ્યમાં યોગ્ય અમલ કરવાની પણ ખાતરી બેઠકમાં આપી હતી.