- ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ છે નીમાબહેન આચાર્ય
- કચ્છના પ્રથમ મહિલા તબીબ હોવાનું પણ ગૌરવ ધરાવે છે નીમાબહેન
- ગુજરાત એકમાત્ર રાજ્ય, જેમાં પ્રથમ મહિલા મુખ્યપ્રધાન અને અધ્યક્ષ
ગાંધીનગર: સપ્ટેમ્બર મહિનો ગુજરાતના રાજકારણ માટે ઉથલપાથલભર્યો રહ્યો છે. મુખ્યપ્રધાન સહિત તમામ પ્રધાનોના રાજીનામા અને નવા મુખ્યપ્રધાન સહિત નવા પ્રધાનોના ચાર્જ સંભાળવાની ઘટનાઓ 10 દિવસના ગાળામાં બનવા પામી છે. ત્યારે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ રાજીનામું આપ્યા બાદ તેમની ખાલી પડેલી જગ્યા પર રાજ્યના ઈતિહાસમાં પ્રથમ વખત મહિલા સ્પીકરની વરણી કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળી રહેલા કચ્છના ધારાસભ્ય નીમાબહેન આચાર્ય કચ્છના પ્રથમ મહિલા ડોક્ટર હોવાનું પણ ગૌરવ ધરાવે છે. ત્યારે તેમની યશકલગીમાં આ મોરપીંછ ઉમેરાયા બાદ ETV Bharat દ્વારા તેમની સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.
તબીબ તરીકેની કામગીરી દરમિયાન પણ સરળતાથી વર્કલોડ હેન્ડલ કરતી હતી: નીમાબહેન આચાર્ય
ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ નીમાબહેન આચાર્યએ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, હું કચ્છની પ્રથમ મહિલા તબીબ હતી. ત્યારે પણ કચ્છના તમામ મહિલાઓની સારવાર કરતી હતી અને તે સમયે પણ મારા ઉપર ખૂબ જ વર્કલોડ હતો, પરંતુ હું તેનો કુશળતાપૂર્વક સામનો કરતી હતી. છેલ્લાં 32 વર્ષથી હું રાજકીય ક્ષેત્રમાં છું અને તમામ પડકારોનો સામનો કર્યો છે.
ગુજરાતમાં શક્ય છે મહિલા અધ્યક્ષ અને મહિલા મુખ્યપ્રધાન
નીમાબહેન આચાર્યએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં જ મહિલાઓ માટે ખૂબ જ વિપુલ તક છે. આમ, રાજકીય ક્ષેત્રની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં જ પ્રથમ મહિલા મુખ્યપ્રધાન અને ગુજરાતમાં જ પ્રથમ મહિલા વિધાનસભા અધ્યક્ષની નિમણૂંક કરવામાં આવી છે. આમ, મહિલાઓ તેમના એજન્ડા નક્કી કરીને કામ કરે તો તેઓ હંમેશા સફળ રહેશે.
પોઝિટિવિટી સાથે કામ કરશો તો સફળ થશો
ગુજરાતની તમામ મહિલાઓને સંદેશો આપતા નીમાબહેને જણાવ્યું હતું કે, તમામ મહિલાઓએ પોતાના કામ પ્રત્યે લગાવ રાખીને તથા પોઝિટિવિટી સાથે કામ કરીએ તો તમામ મહિલાઓ સફળ થશે. જ્યારે, તમામ મહિલાઓએ કામ પ્રત્યેનો એક એજન્ડા પણ નક્કી કરવો જોઇએ. જેથી કોઇપણ મહિલાને નિષ્ફળતા પ્રાપ્ત થાય નહીં.