- રાજ્ય સરકારની કામગીરી એક્શન મોડમાં
- 100 દિવસના મહત્વના પ્રોજેકટ અને કામગીરીનું પ્લાનિંગ
- ઈલેક્શન પહેલા અનેક વિભાગોમાં થશે ભરતી
ગાંધીનગર: ગુજરાત રાજ્ય (Gujarat)માં પ્રધાનમંડળમાં અનેક ફેરફાર થયા છે, ત્યારે ગુજરાતમાં નવનિયુક્ત મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ની સરકાર પણ હવે ઇલેક્શનને ધ્યાનમાં લઈને તૈયારીઓ કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકારે તમામ પ્રધાનોને આવનારા 100 દિવસના એક પ્રોજેક્ટ અને તેનું આયોજન (100 Days Project and Planning) કરવાની સૂચના આપી છે, જેમાં આવનારા સમયમાં પ્રજાને સ્પર્શતા તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને સરકાર 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર કરશે અને આ દરમિયાન જ વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવશે.
શું છે 100 દિવસનો પ્લાન
સચિવાલયમાંથી મળતી માહિતી પ્રમાણે ગુજરાત સરકારના 26 જેટલા વિભાગો છે અને આ તમામ વિભાગોમાંથી 100 દિવસનો એક્શન પ્લાન મંગાવવામાં આવ્યો છે. આ એક્શન પ્લાનમાં જે પ્રોજેક્ટ અથવા તો કાર્ય સીધું પ્રજાને સ્પર્શ કરતું હશે તેને વધુ અગ્રતા આપીને 100 દિવસની અંદર પૂર્ણ કરવાની સૂચના પણ જે તે વિભાગને આપવામાં આવશે; જેથી આવનારી વિધાનસભાની ચૂંટણીમાં રાજ્ય સરકાર પ્રજાના કરેલા કાર્યોની વિગતો સાથે પ્રજાની વચ્ચે જઈ શકે અને સરળતાથી વિધાનસભા વર્ષ 2022ની ચૂંટણીમાં જીત મેળવી શકે. આ ઉપરાંત રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં રમત-ગમતના મેદાનો, ઈ-લાઈબ્રેરી, વર્ષ 2022 પહેલા આવાસ યોજનાની કામગીરી પૂર્ણ કરવી જેવા મહત્વના મુદ્દાઓ કે જે સીધા જાહેર જનતાને સ્પર્શતા હોય તે અંગે વહેલી તકે નિર્ણય કરવામાં આવશે.
અનેક ભરતીઓ થશે સરકારમાં
રાજ્ય સરકારમાં અનેક જગ્યાઓ ખાલી છે જે જગ્યાઓ છેલ્લા કેટલાય વર્ષોથી ખાલી પડી રહી છે, ત્યારે ઉપેન્દ્ર પટેલની સરકાર દ્વારા વર્ષ 2022ની ચૂંટણી પહેલા મહદ અંશે ગુજરાતના વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓનો આંકડો મંગાવીને રાજ્ય સરકાર દ્વારા ભરતી પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્યના ગૃહ વિભાગમાં 27 હજાર જેટલી ભરતીની જાહેરાત સરકાર દ્વારા કરી દેવામાં આવી છે, ત્યારે આગામી દિવસોમાં અન્ય વિભાગમાં પણ સરકારી ભરતીની જાહેરાત કરવામાં આવશે જે ચૂંટણી પહેલા તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે.
કૃષિ સહાયમાં વધારા સાથે ચૂકવણી
રાજ્યના નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની સરકાર ગુજરાતમાં નવી છે અને તાત્કાલિક ધોરણે જ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ થતાં રાજ્ય સરકારે રાજકોટ જૂનાગઢ અને જામનગરમાં સર્વેની જાહેરાત કરી હતી, પરંતુ સર્વેની ચૂંટણી થાય તે પહેલાં જ અન્ય જિલ્લાઓમાં પણ વરસાદ નોંધાતા હવે રાજ્ય સરકારે તમામ જિલ્લાઓને યોગ્ય રીતે સહાય મળે અને એક સાથે સહાય મળે તે બાબતનું પણ ખાસ આયોજન કર્યું છે, ત્યારે ઇલેક્શનને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા SDRFના નિયમ પ્રમાણેથી વધુની રકમ સહાય તરીકે ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ગાંધીનગર કોર્ટે સચિન દીક્ષિતના 14 તારીખે બપોરે 2 વાગ્યા સુધીના રિમાન્ડ કર્યા મંજૂર
આ પણ વાંચો: EXCLUSIVE: સ્મિતના માતા-પિતાને શોધવા પોલીસ કઈ થિયરી પર કરશે કામ? વાંચો ETV ભારતનો વિશેષ એહવાલ