- છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવનો આંક 400ની અંદર
- 1,006 દર્દીઓએ કોરોનાને માત આપી ઘરે પરત ફર્યા
- રિકવરી રેટ વધીને 97.70 ટકા સુધી પહોંચ્યો
ગાંધીનગર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મંગળવારના રોજ કોરોનાની યાદી બહાર પાડવામાં આવી હતી. જેના મુજબ છેલ્લા 24 કલાકમાં 352 પોઝિટિવ કેસ નોંધાયા છે, કોરોના પોઝિટિવ કેસોનો આંકડો 400ની અંદર પહોંચ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો જોવા જઈએ તો 48, વડોદરામાં 29 અને સુરતમાં 48 કેસો નોંધાયા છે. રાજ્યના તમામ અન્ય શહેરોમાં પણ આ આંક ઘટયો છે.
આજે 2,63,630 લોકોએ વેક્સિન લીધી, કુલ 2,08,21,654 લોકોનું વેક્સિનેશન કરાયું
રાજ્ય સરકારની યાદી મુજબ આજે મંગળવારે 2,63,630 વ્યક્તિઓનું વેક્સિનેશન થયું હતું. રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારે નવા વેક્સિનના ડોઝ આવતા 18 વર્ષથી ઉપરના માટે તમામ જિલ્લામાં વેક્સિન પ્રક્રિયા વેગવંતી બનાવી છે. 18થી 45 વર્ષના 1,87,214 લોકોને વેક્સિન અપાઈ હતી. 10 જિલ્લાઓ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ રસીકરણ 18 પ્લસના લોકોને આપવાની છૂટ આપતા રસીકરણ વધ્યું છે. અત્યાર સુધી 2,08,21,654 લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.
8,884 એક્ટિવ કેસમાંથી 219 વેન્ટિલેટર પર જ્યારે 8,665 સ્ટેબલ
કોરોનાની વર્તમાન પરિસ્થિતિ જોવા જઈએ તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 8,884 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 8,665 કેસો સ્ટેબલ છે જ્યારે વેન્ટિલેટર 219 દર્દીઓ છે. અત્યાર સુધી સરકારની આ યાદી મુજબ 10,007 દર્દીના સારવાર દરમિયાન અત્યાર સુધી દુઃખદ મૃત્યુ નીપજ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,02187 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 97.70 ટકા સુધી પહોંચ્યો છે.