ન્યૂઝ ડેસ્ક: આગામી સમયમાં મોરબી વિધાનસભા બેઠક, અમરેલી જિલ્લાની ધારી વિધાનસભા બેઠક, કચ્છની અબડાસા બેઠક, વડોદરા જિલ્લાની કરજણ બેઠક, વલસાડની કપરાડા બેઠક, સુરેન્દ્રનગરની લીમડી બેઠક, બોટાદ જિલ્લાની ગઢડા બેઠક અને ડાંગ વિધાનસભા બેઠક પર ચૂંટણીઓ યોજાવાની છે. ડાંગ વિધાનસભા બેઠક આદિવાસી બેઠક તરીકે અનામત છે.
આ પેટા ચૂંટણી માટે 9 ઓક્ટોબરના રોજ જાહેરનામુ બહાર પડશે. 16 ઓક્ટોબરે ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાનો અંતિમ દિવસ રહેશે. 17 ઓક્ટોબરના રોજ ઉમેદવારી ફોર્મની ચકાસણી થશે. 19 ઓક્ટોબરે ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. 3 નવેમ્બરે મતદાન થશે, જ્યારે 10 નવેમ્બર મતગણતરી થશે. ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકો પૈકી અબડાસા, લીંમડી, ધારી, ગઢડા, મોરબી, ડાંગ, કરજણ, કપરાડા સામેલ છે. ગુજરાતમાં કોરોનાના સંકટ વચ્ચે રાજ્યમાં પેટાચૂંટણીને લઇને રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા પેટાચૂંટણીને લઇને એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યાં છે. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં બાદ આ બેઠકો પર ફરી પેટાચૂંટણીને લઇને રાજ્યમાં તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે.