ગાંધીનગર: અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીમાં (ગુડા) ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે ફરજ બજાવતા અમિત પ્રકાશ યાદવ અને કાર્યપાલક ઇજનેર સંજય પટેલ કોરોનાથી સંક્રમિત થયા છે. જેને લઇને કાર્યપાલક ઇજનેરની બ્રાન્ચમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને હોમ કોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. તેની સાથે અન્ય એક બ્રાન્ચમાં ફરજ બજાવતા મામલતદારમાં પણ લક્ષણો જોવા મળતા હોમ કોરેન્ટાઇન થઇ ગયા છે.
મળતી માહિતી મુજબ ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળની કચેરીમાં કોરોનાએ પ્રવેશ લેતાં કચેરીમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ ભયના ઓથાર હેઠળ કામગીરી કરી રહ્યા છે. એકમાત્ર કર્મચારી તરીકે નાયબ કલેકટર ફરજ બજાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર મહાનગરપાલિકાની કચેરીમાં ફરજ બજાવતા સિટી ઇજનેર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સોમવારના રોજ જ પોઝિટિવ આવ્યા છે. ત્યારે એક પછી એક કચેરીઓમા ફરજ બજાવતાં અધિકારીઓ અને કર્મચારીઓ સંક્રમિત થઈ રહ્યા છે, જેને લઇને ભય ફેલાયેલો છે.