- 11 દિવસ પહેલા 60 કેસો હતા
- કોરોનાનો 1 પણ કેસ જિલ્લામાં ના હોવાથી કોરોના પર કંટ્રોલ
- જિલ્લામાં 8,21,838 લોકોને રસી અપાઈ
ગાંધીનગર : ગાંધીનગરમાં કોરોનાની બીજી લહેર સમયે દિવસના 70થી 100 જેટલા પોઝિટિવ કેસો નોંધાતા હતા, પરંતુ અત્યારે આ આંકડો શૂન્ય થઈ ગયો છે. એક સમયે જિલ્લામાં કોરોનાના કેસોની સાથે મૃત્યુ દર પણ વધુ હતો. કોરોનાની મોટી અસર ગાંધીનગર જિલ્લામાં પણ થઈ હતી, પરંતુ છેલ્લા 11 દિવસથી કોઈ નવો કેસ જિલ્લાના વિવિધ તાલુકામાં નથી નોંધાયો. જેથી જિલ્લામાં સંપૂર્ણ કોરોના પર કાબુ આવી ગયો છે. જો કે વેક્સિનેશનની કામગીરી પણ ઝડપી બની છે.
1,800 લોકોનો સર્વે કરવામાં આવ્યો
સપ્ટેમ્બર મહિનામાં પોઝિટિવ કેસો બિલકુલ ઓછા થયા હતા. 1 ઓગસ્ટના રોજ 5 જેટલા દર્દીઓ વિવિધ હોસ્પિટલમાં દાખલ હતા, ત્યારબાદ સિંગલ ડિજિટમાંઆ આંકડો આવતો હતો, પરંતુ અત્યારે એક પણ દર્દી એડમિટ નથી. તેમાં પણ 18 ઓગસ્ટના રોજ એક દર્દી એડમિટ હતો, જેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો, ત્યારે 60 દર્દીઓ ક્વોરન્ટાઇન હતા. ઉલ્લેખનીય છે કે, અત્યારે એક પણ પોઝિટિવ દર્દી નથી. લોકોમાં હર્ડ ઇમ્યુનિટી પણ મેહદઅંશે વિકસી હોવાની વાત સામે આવી રહી છે. જો કે 36 જેટલા ક્લસ્ટર બનાવીને 1,800 લોકોનો સર્વે પણ કરવામાં આવ્યો છે.
સિવિલ હોસ્પિટલમાં જ 600 પોઝિટિવ પેશન્ટ
જિલ્લામાં કોરોના કાળમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડિંગના તમામ વોર્ડના 600 જેટલા બેડ ફૂલ હતા, જ્યારે અન્ય પ્રાઇવેટ હોસ્પિટલ અને હોમ ક્વોરન્ટાઇન દર્દીઓની પણ મોટી સંખ્યા હતી. કોરોનાની સારવાર દરમિયાન રોજના લગભગ 50 લોકોના મોત નિપજતા હતા. જો કે સિવિલ હોસ્પિટલમાં પણ છેલ્લા 15 દિવસથી વધુ સમયથી એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. જેથી વોર્ડને સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે.
જિલ્લામાં અત્યાર સુધી 8,21,838 લોકોને રસી અપાઈ
ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધી પ્રથમ અને બીજો ડોઝ 8,21,838 લોકોએ લીધો છે. તેમાં પણ પ્રથમ ડોઝ મેળવનારની સંખ્યા 6,46,714 છે, જ્યારે બીજો ડોઝ અત્યાર સુધી 1,75,124 લોકોને આપવામાં આવ્યો છે. અત્યારે જિલ્લામાં 40 જેટલા સેન્ટરો કાર્યરત છે. જેમાં રોજના લગભગ 9,000 આસપાસ લોકો વેક્સિન લઈ રહ્યા છે.