ગત રવિવારે રાજ્યમાં યોજાયેલી ગુજરાત ગૌણ સેવા પસંદગીની જાહેર પરીક્ષામાં સોશિયલ મીડિયામાં ગણતરીના કલાકોમાં જ પ્રશ્નપત્ર સહિત આન્સર કી ફરતી થઈ હતી. જેને કારણે વિદ્યાર્થીઓએ અનેક વખત ગુજરાત ગૌણ સેવા આયોગના અધ્યક્ષને આવેદનપત્ર આપ્યું હોવા છતાં પણ કોઇ ઉકેલ ન આવતા બુધવારે ગાંધીનગર ખાતે વિરોધ કરી પરીક્ષા રદ કરવાની માગ કરી હતી. જેમાં રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પરીક્ષા રદ નહીં કરવા અંગે નિવેદન આપ્યું હતું.
રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં બુધવારે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં તેમની માગણી હતી કે, પરીક્ષા રદ કરવામાં આવે, પરંતુ આવી પરીક્ષા રદ કરવામાં આવશે નહીં. સોશિયલ મીડિયા પર વાઈરલ થવાની વાત અંગે જાડેજાએ જણાવ્યું હતું કે, પરીક્ષા શરૂ થયાના બે કલાક બાદ પાલનપુરના એક ઉમેદવારે બહાર આવીને પોતાના ફોનથી પેપર તેના મિત્રને મોકલ્યું હતું. જે બાદ તેના મિત્રે જવાબ લખીને ઉત્તરવહી સાથેનું પેપર વાયરલ કર્યું હતું. જેને ધ્યાનમાં રાખી અમારા દ્વારા તમામ કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ જો મહત્વની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કુલ 39 જેટલી ફરિયાદો આવી છે. જ્યારે પાલનપુર ખાતે એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગત ત્રણ દિવસથી ઉમેદવારો ગાંધીનગરના ધક્કા ખાઇ રહ્યા છે, પરંતુ ગૌણ સેવા આયોગના અધ્યક્ષ આશિષ વોરા મળવાનું ટાળી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર હવે અસ્તિત્વને બચાવવા માટે આગળ આવી હોય તેવું લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શનમાં પણ કોંગ્રેસ સામેલ છે અને કોંગ્રેસ વિદ્યાર્થીઓને સાથે રાખી રાજનીતિ કરતા હોવાનો આક્ષેપ પ્રદીપસિંહ જાડેજાએ કર્યા હતા.