- રાજ્યમાં રેસિડન્ટ ડોક્ટર્સની હડતાળનો મામલો
- ગેર વ્યાજબી માંગણીઓ રાજ્ય સરકાર સ્વીકારાશે નહી
- સેવાઓમાં જોડાવવા માટે નીતિન પટેલનો અનુરોધ
ગાંધીનગર : રાજ્યની સરકારી મેડીકલ કોલેજ સંલગ્ન શૈક્ષણિક હોસ્પિટલોનાં રેસિડેન્ટ ડૉકટર્સની ચાલી રહેલી હડતાળ ગેરવ્યાજબી હોવાનું નિવેદન રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપ્યુ હતું. વધુમાં કહ્યું હતું કે, હતું કે કોઇપણ યોગ્ય કારણો વગર હડતાળ કરીને દર્દીઓને હાલાકી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, એને સરકાર ચલાવી લેશે નહી. તમામ તબીબો દર્દીઓની સેવા કરવી તે પોતાની નૈતિક ફરજ સમજીને બિનશરતી હડતાળ પાછી ખેચીને માનવસેવાના ઉમદા કામમાં લાગી જવા તબીબોને તેમણે અનુરોધ કર્યો છે.
આ પણ વાંચો : ડોક્ટર્સની હડતાળ ગેરમાન્ય, માંગ ખોટી છે : મુખ્યપ્રધાન રૂપાણી
માંગણી વ્યાજબી હશે તો સરકાર ચર્ચા કરવા તૈયાર
નીતિન પટેલે જણાવ્યું હતું કે, રેસીડેન્ટ તબીબોની માગણીઓ વ્યાજબી હશે, તો તે માટે તેમની સાથે ચર્ચા કરવા રાજ્ય સરકારનુ મન ખુલ્લુ છે, પરંતુ ગેરવ્યાજબી માંગણીઓને રાજ્ય સરકાર કયારેય સ્વીકારશે નહી કેમ કે, કોઈપણ સમસ્યા હોય એનું સમાધાન ચર્ચાથી આવે હડતાળએ કોઈ ઉપાય નથી. ખોટી રીતે હડતાળ પાડીને માનવીય સેવાઓથી દૂર રહેવુ એ યોગ્ય નથી, પહેલા ફરજ પર હાજર થઈ સેવામાં જોડાઈ જાઓ, ત્યારબાદ સરકાર રેસીડેન્ટો સાથે ચર્ચા કરશે.
હવે વિધાર્થી નહિ પણ ડોક્ટર્સ છો તમે
નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ તબીબો હવે વિદ્યાર્થી રહેતા નથી કેમ કે, તેઓએ યુનિવર્સીટીની ડીગ્રી મેળવી તબીબ બની ગયા છે, એટલે એમણે હોસ્ટેલ સત્વરે ખાલી કરીને એમને જે CHC અને જિલ્લા- તાલુકા કક્ષાની હોસ્પિટલોમાં સેવા માટેના ઉંચા પગાર સાથે ઓર્ડર કર્યા છે, એમાં સત્વરે જોડાઈ જવુ જોઈએ.
આ પણ વાંચો : મેડિકલ ક્ષેત્રની વ્યાજબી માંગણી સરકાર સ્વિકારશે અને હકારાત્મક નિર્ણય લેવાશે: મુખ્યપ્રધાન રૂપાણી
બોન્ડ તોડીને છુટા થઈ શકે છે તબીબો
પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની બોન્ડ નીતિ સ્પષ્ટ છે, જેમાં સ્નાતક તેમજ અનુસ્નાતક વિધાર્થીઓને પ્રવેશ સમયે આપેલા બોન્ડની શરતો મુજબ એક વર્ષ / ત્રણ વર્ષની ગ્રામ્ય વિસ્તારમાં સેવાઓ આપવાની થાય છે. આ વિધાર્થીઓ સરકારી મેડીકલ કોલેજ ખાતે પ્રજાનાં જ નાણાં થકી બિલકુલ નજીવી ફીથી અભ્યાસ મેળવે છે. ત્યારબાદ આ અભ્યાસક્રમ પૂર્ણ થવાથી રાજ્યના છેવાડાનાં નાગરિકોને આરોગ્ય વિષયક સેવાઓ આપવી તેઓની ફરજ છે, એટલે બોન્ડનો જે વિરોધ કરે છે એ વ્યાજબી અને કાયદેસર નથી. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં બોન્ડ મુજબ સેવા આપવા માટે 1 ઓગસ્ટથી ગ્રામ્ય વિસ્તારમાં રાજ્ય સરકારે બોન્ડેડ તબીબ તરીકે સેવા આપવા માટે આદેશો કરવામાં આવ્યા છે. જે બોન્ડેડ પીજી તબીબને બોન્ડ મુક્ત થવું હોય તો જે મેડીકલ કોલેજમાં તેમણે અભ્યાસ કર્યો હોય ત્યાં નિયત થયેલ બોન્ડની રકમ જમા કરાવી બોન્ડ મુક્ત થઇ શકે છે.
હડતાળ પાછી ખેંચીને ફરજ પર જોડાવાની સૂચના
હાલમાં પીજીના પ્રથમ, બીજા અને ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા રેસીડેન્ટ ડોક્ટરો હડતાળમાં જોડાયા છે. બધા હડતાળમાં જોડાયેલા ડોક્ટરોના હિતમાં છે કે, તેઓએ ગેરકાયદેસર હડતાળ પાછી ખેંચી લેવી જોઇએ. અન્યથા રાજ્ય સરકાર દ્વારા તેમની સામે અશિસ્ત બદલ પગલા લેવા આવશે, તેવું નિવેદન નીતિન પટેલે કર્યું હતું.