- આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતમાં મળી કેબિનેટની બેઠક
- બેઠકમાં અતિવૃષ્ટિ રાહત પેકેજ, ગાંધી જયંતિની ઉજવણી અંગે કરાઈ ચર્ચા
- કેબિનેટ પ્રધાનોની વિવિધ જિલ્લાઓના પ્રભારી તરીકે કરવામાં આવી નિમણૂક
ગાંધીનગર: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ની અધ્યક્ષતામાં આજે બુધવારે કેબિનેટની બેઠક (Cabinet meeting) યોજાઈ હતી. જેમાં આવનારી 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિની ઉજવણીના આયોજન, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિના કારણે થયેલા નુક્સાનના સર્વે બાબતની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનોની અલગ અલગ જિલ્લાના પ્રભારી તરીકે નિમણૂક પણ કરવામાં આવી હતી.
ટૂંક સમયમાં જાહેર કરાશે અતિવૃષ્ટિ રાહત પેકેજ
કેબિનેટ પ્રધાાન જીતુ વાઘાણી (Cabinet Minister jeetu vaghani) એ અતિવૃષ્ટિમાં સહાય આપવા બાબતે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલો સર્વે પૂર્ણ થવાના આરે છે. હાલમાં અંતિમ તબક્કામાં સર્વેની કામગીરી ચાલી રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ટૂંક જ સમયમાં અતિવૃષ્ટિ રાહત પેકેજ જાહેર કરાશે
કઈ રીતે કરાશે ગાંધી જયંતિની ઉજવણી
કેબિનેટની બેઠકમાં 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિની ઉજવણીને લઈને રાજ્ય સરકારના પ્રવક્તા અને કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણીએ (Cabinet Minister jeetu vaghani) જણાવ્યું હતું કે, રાજ્યભરની 14,250 ગ્રામ પંચાયતોમાં તે દિવસે ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન મોદી (PM Modi) પાલનપુરની પીપલી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં વર્ચ્યુઅલી હાજર રહીને ગ્રામજનો સાથે સીધો સંવાદ કરશે. આ ઉપરાંત દેશભરમાં સ્વચ્ચ ભારત મિશન અર્બન 2.0 અને અમૃત 2.0 મિશનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે.
ખાદીની ખરીદી પર અપાશે 20 ટકા વળતર
2 ઓક્ટોબરના રોજ ગાંધી જન્મ જયંતિ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખાદીની ખરીદીમાં વળતર આપવાની જાહેરાત કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ બીજી ઓક્ટોબર ગાંધી જન્મ જયંતિ નિમિત્તે રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ ખાદીની ખરીદી પર 20 ટકા વળતર આપવાની જાહેરાત કરી છે. આમ, લોકો ખાદીનો ઉપયોગ કરતા થાય અને ખાદીનો વ્યાપ વધે તે માટે આ આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન જલ જીવન યોજના અંતર્ગત ગ્રામજનો સાથે કરશે સંવાદ
કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદને સંબોધતા વધુમાં કહ્યું હતું કે, સવારે 10થી 11 વાગ્યા સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યની 14,250 ગ્રામ પંચાયતોને સંબોધશે. ત્યારે વડાપ્રધાન મોદી (PM Modi) બનાસકાંઠાના પાલનપુરમાં આવેલ પીપળી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં 'જળ જીવન મિશન' ના અમલીકરણ અંતર્ગત સીધો સંવાદ કરશે. આ ઉપરાંત રાજ્યમાં જે ગ્રામ્ય વિસ્તારો હાલ પમ પાણીથી વંચિત છે. ત્યાં 2022 સુધીમાં યોજના શરૂ કરવામાં આવશે.
રાજ્યમાં 81.41 લાક ઘરોમાં 'નલ સે જલ યોજના'
રાજ્યમાં 81.41 લાખ ઘરો એટલે કે 87.9 ટકા ઘરોમાં 'નલ સે જલ યોજના' અંતર્ગત પાણીનું જોડાણ આપવામાં આવ્યું છે. જ્યારે બાકી રહેલા ઘરોમાં આગામી 1 વર્ષમાં આવરી લેવામાં આવશે. આ સાથે જ ગ્રામસભામાં જે એજન્ડાનો સમાવેશ થાય છે, તેમાં વિલેજ એક્શન પ્લાન, હર ઘર જલ, પાણીની ઉપલબ્ધતાના સ્ત્રોતો, પાણી સમિતિ, પાણીની ગુણવત્તા વગેરે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે.
આ પણ વાંચો: ‘નલ સે જલ’ યોજના અંતર્ગત રાજ્યના તમામ ઘરોમાં 2022 સુધીમાં પાણી પહોંચાડાશે- વિજય રૂપાણી
આ પણ વાંચો: નલ સે જલ યોજના-રાજ્યમાં 17.63 લાખ ઘરોમાં નળના કનેક્શન બાકી
આ પણ વાંચો: એક એવું ગામ, જ્યાં માત્ર 1 બેડું પાણી ભરવા મહિલાઓએ 5 કલાક રાહ જોવી પડે છે