- ગણતરીના દિવસોમાં પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી
- 8 બેઠકો માટે યોજાશે ચૂંટણી
- કોવિડ-19 દર્દી, સિનિયર સિટિઝન અને દિવ્યાંગ બેલેટ પેપર દ્વારા કરશે મતદાન
- પોલીસ અને વીડિયો ગ્રાફીની હાજરીમાં કરાશે મતદાન
ગાંધીનગર: રાજ્યની ખાલી પડેલી 8 વિધાનસભા બેઠક પર 3 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે, ત્યારે આ 8 બેઠક પર કોરોના વાઇરસ સંક્રમિત દર્દીઓ, 75 વર્ષથી વધુ ઉંમરના મતદારો અને દિવ્યાંગ મતદારો માટે ચૂંટણી પંચ દ્વારા બેલેટ પેપરથી મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી આ વ્યવસ્થામાં 6000 જેટલા મતદારોએ નોંધણી પણ કરાવી છે.
બેલેટ પેપરથી આ લોકો મતદાન કરી શકશે
આ બાબતે રાજ્ય ચૂંટણીપંચના ચૂંટણી અધિકારી મુરલી ક્રિષ્નાને જણાવ્યું હતું કે, કોરોના વાઇરસની પરિસ્થિતિમાં કોરોના દર્દીઓ, 75 વર્ષથી વધુની ઉંમરના સિનિયર સિટિઝન અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે મતદાનની અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ મતદારો બેલેટ પેપરથી મતદાન કરી શકશે. આ બાબતે તમામ રાજકીય પક્ષોને પણ માહિતગાર કરવામાં આવ્યા છે, જ્યારે મતદાન દરમિયાન આ તમામ લોકો પોલીસ અને વીડિયો ગ્રાફીની હાજરીમાં મતદાન કરી શકશે.
ચૂંટણી પંચના અધિકારીને PPE કીટ
કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ચૂંટણી પંચના અધિકારીઓને જરૂર પડ્યે PPE કીટ પણ આપવામાં આવશે. આ ઉપરાંત હેન્ડ સેનિટાઈઝર અને માસ્કની જવાબદારી પણ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવશે.
8326 મતદાન મથક
ચૂંટણી દરમિયાન એક મતદાન પર 1500 જેટલા મતદારો મતદાન કરતા હોય છે, પરંતુ કોરોનાને ધ્યાનમાં લઇને આ વર્ષે ચૂંટણી પંચ દ્વારા વધુ બૂથ રાખવામાં આવ્યા છે. આમ 8 વિધાનસભાની પેટા ચૂંટણીમાં 65 જેટલા બુથનો વધારો કરવામાં આવ્યો છે. જેથી કુલ બૂથની સંખ્યા 8326 થઇ છે. નવા મતદાન મથકો ઉમેરાતાં હવે એક મતદાન મથક પર 500થી 1000 જેટલા મતદારો મતદાન કરશે.