- 5 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા વોર્ડ ખાલી
- જો નવા દર્દી નોંધાય તો તાત્કાલિક વોર્ડ શરૂ કરવાની તૈયારી
- ગાંધીનગર જિલ્લામાં એક જ દર્દી, જે અન્ય હોસ્પિટલમાં દાખલ
ગાંધીનગર: એક સમયે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડિંગના તમામ વોર્ડ ભરેલા હતાં. ત્યાં દર્દીઓની તેમજ એમ્બ્યુલન્સની લાઈનો લાગતી હતી, પરંતુ છેલ્લા 10 દિવસથી એક પણ કોરોના પોઝિટિવ કેસ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આવ્યો નથી. સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ કલ્પેશ જશપરાએ કહ્યું કે, નવી બિલ્ડિંગમાં વોર્ડ નંબર 5માં જ કોરોના દર્દી એડમીટ કરવામાં આવી રહ્યા છે પરંતુ અત્યારે આ વોર્ડ બિલકુલ ખાલી છે. જેથી કામગીરી બંધ છે. દર્દી આવશે તો જરૂરથી તેમની સારવાર વોર્ડ નંબર 5માં કરવામાં આવશે.
અત્યારે ગાંધીનગર જિલ્લામાં 60 કેસ, પરંતુ તમામ હોમ ક્વોરન્ટાઇન
ગાંધીનગર જિલ્લામાં અત્યારે 60 જેટલા કોરોના પોઝિટિવ કેસ છે. આ તમામ દર્દીઓની સ્થિતિ સારી હોવાથી તમામ દર્દીઓ અત્યારે હોમ ક્વોરન્ટાઇન છે. જોકે એક દર્દી ગાંધીનગર જિલ્લામાં અન્ય હોસ્પિટલમાં એડમિટ છે. ગાંધીનગર જિલ્લા અને કોર્પોરેશન વિસ્તારમાં એક સમયે મોટી સંખ્યામાં કેસ આવી રહ્યા હતા. સિવિલ હોસ્પિટલથી લઇ પ્રાઇવેટ હોસ્પિટલમાં એક સમયે એટલા બધા કેસો આવી રહ્યા હતા કે, હોસ્પિટલોમાં પણ જગ્યા નહોતી, પરંતુ અત્યારે ગાંધીનગર જિલ્લાની હોસ્પિટલોમાં પણ કેસ નથી. આર.એમ.ઓ.એ વધુમાં કહ્યું કે, સિવિલમાં 10 દિવસમાં એક પણ પોઝિટિવ કેસ આવ્યો નથી. ખાસ કરીને સિવિલમાં તો અત્યારે 5 શંકાસ્પદ દર્દીઓ હતા. તેમના રિપોર્ટ નેગેટિવ રિપોર્ટ આવતા હાલ એક પણ દર્દી સારવાર મેળવી રહ્યો નથી.