- રાજયકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન
- કોંગ્રેસે રાજકીય આંદોલન કરવાની પરવાનગી માંગી હતી
- આજે દાંડીયાત્રા હોવાથી પરવાનગી આપવામાં ના આવી
- ખેડૂત આંદોલનને સમર્થન આપવા ટ્રેકટર રેલીનું હતું આયોજન
ગાંધીનગરઃ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય કેન્દ્રીય પ્રધાનો અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે હાજર રહ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવી હતી, ત્યારે કોંગ્રેસે બપોર બાદ દાંડી યાત્રાના સ્વરુપે ખેડૂત આંદોલનને સમર્થન માટેની પરવાનગી માંગી હતી. જોકે, કોંગ્રેસના નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. કોંગ્રેસ દ્વારા પણ દાંડી યાત્રા યોજવા માટે પોલીસની મંજૂરી માગી હતી, જોકે, પોલીસે મંજૂરી આપી ન હતી, ત્યારે પરમિશન ન આપવા બાબતે રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે ટ્રેક્ટર રેલી માટે ખેડૂત આંદોલનને સમર્થન આપવા માટેની પરવાનગી માંગી હતી, પરંતુ આજે રાષ્ટ્રિયકક્ષાનો કાર્યક્રમ હોવાથી પરવાનગી આપવામાં આવી નથી.
આ પણ વાંચોઃ કોંગ્રેસના નેતા અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતનાઓની પોલીસે કરી અટકાયત
ગુજરાતમાં ખેડૂતો ખુશ છે: પ્રદિપસિંહ જાડેજા
પ્રદિપસિંહ જાડેજાએ ખેડૂત આંદોલન બાબતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં તમામ ખેડૂતો ખુશ છે. હમણાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે અને લોકોએ ભાજપને મત આપ્યાં છે. ભાજપથી તમામ લોકો ખુશ છે. જ્યારે કોંગ્રેસની કારમી હાર થઈ છે. ખેડૂત આંદોલનમાં ગુજરાતના કોઈ ખેડૂતો તેઓના સમર્થનમાં ન હોવાની પણ વાત પ્રદિપસિંહ જાડેજા દ્વારા આડકતરી રીતે કરવામાં આવી હતી.
આજનો દિવસ આઝાદી જોડે જોડાયેલો છે
પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, આજનો દિવસ આઝાદી સાથે જોડાયેલો છે, જેને કિસાન આંદોલન સાથે કોંગ્રેસ સાંકળીને શુ દર્શાવવા માંગે છે? કોંગ્રેસને પોલીસે પરવાનગી ન આપી હોવા છતા કોંગ્રેસે પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. આજે આઝાદી અંગેનો વડાપ્રધાનનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. બીજી તરફ કોગ્રેસ ખેડૂત આંદોલન સંદર્ભે ટ્રેક્ટર રેલી નીકાળવાની હતી એટલે પરવાનગી પોલીસે આપી નથી. કોગ્રેસનો કારમો પરાજય થયો છે, છતાં કોંગ્રેસ પોતાની માનસિકતા છોડતી નથી. જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, આજે રાહુલ ગાઘીએ ટ્વીટ કરીને આઝાદીના આ દિવાસના બદલે કિસાન આંદોલન સંદર્ભે ટ્વીટ કરીને પોતાની દેશ વિરોધી માનસિકતા છતી કરી છે. દાંડી યાત્રાના આયોજન પર કોઈ અસર ન થાય તે માટે પ્રસાશન દ્વારા આગમ ચેતીનાં પગલાંઓ લઇને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.