- કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાસભા બહાર કર્યો વિરોધ
- સરકારની કોવિડ કામગીરીનો વિરોધ કર્યો
- 25 ટકા સ્કૂલ ફી માફી, કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવાર માટે 4 લાખ રૂપિયાની કરી માંગણી
ગાંધીનગર: કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાની બહાર પોસ્ટરો પહેરીને કોવિડ કામગીરીનો વિરોધ કર્યો હતો. વિધાનસભાના ગેટની બહાર આ પહેલા કોંગ્રેસે શરૂ કરેલી કોવિડ યાત્રાની વિવિધ માંગણીઓ સાથે કોંગ્રેસના ધારાભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાએ પોસ્ટર પ્રદર્શન કરી વિરોધ કર્યો હતો. 25 ટકા સ્કૂલ ફી માફીની માંગણીવાળા પોસ્ટર ગળામાં લટકાવી ધારાસભ્યો વિધાનસભા બહાર પહોંચ્યા હતા અને વિધાનસભા સત્ર શરૂ થાય એ પહેલા જ વિરોધ કર્યો હતો.
વિધાનસભા શરૂ થતાં પહેલા કોંગ્રેસે સરકારને ઘેરી
ગાંધીનગર: આ વખતનું વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થતાં પહેલા જ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા વિધાનસભા શરૂ થતાં પહેલાં જ સરકારને શાબ્દિક રીતે ઘેરવાનો પ્રયાસ કરાયો છે. કોરોનામાં મૃત્યુ પામેલાને 4 લાખની સહાય, હૉસ્પિટલમાં થયેલા ખર્ચનું વળતર વગેરે માંગણીઓ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.
કોરોનામાં 4 લાખની સહાય મૃતકના પરિવારજનોને આપવામાં આવે
ગ્યાસુદ્દીન શેખે કહ્યું કે, કોરોનામાં જે ગરીબ લોકોએ પ્રાઇવેટ હૉસ્પિટલમાં સારવાર લીધી હોય તેમને વળતર મળવું જોઈએ. 4 લાખની સહાય મૃતકના પરિવારજનોને આપવામાં આવે. મોતના કારણમાં કોરોના લખવામાં આવ્યું નથી જેથી મોત બાદ જે વળતર પરિવારને મળવું જોઈએ તે મળશે નહીં, જેથી અમારી વિનંતી છે કે લોકો ડૉક્યુમેન્ટ, સ્મશાનની પાવતી આ બધી વસ્તુ લઈને કોંગ્રેસ પક્ષના ધારસભ્યોની મુલાકાત લે. તેમને અમે ન્યાય અપાવવાનો પ્રયત્ન કરીશું. તેમણે જણાવ્યું કે, 25 લાખ રૂપિયા કોરોના વોરિયરને હજુ સુધી ચૂકવવામાં આવ્યા નથી, જેથી અમે આ બાબતે હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટમાં જઈશું. ગ્યાસુદ્દીન શેખે કહ્યું કે, કોરોનામાં જે લોકોની આર્થિક સ્થિતિ નબળી થઈ છે, તેમને સરકારે ગઈ વખતે 25 ટકા ફી માફી આપી હતી, જ્યારે આ વખતે 25 ટકા ફી માફી આપી નથી તે મુદ્દે પણ ગૃહમાં રજૂઆત કરવાના છીએ.
પ્રાઇવેટ હૉસ્પિટલમાં સારવાર લીધી હોય તેમને 50% રકમ સરકાર તરફથી આપવામાં આવે
તો ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે, ખાસ કરીને કોરોનાની મહામારીમાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના માટે 4 લાખ રૂપિયાની સહાય કોંગ્રેસ તરફથી માંગવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર આંકડા છૂપાવી રહી છે. ભારત દેશમાં 4 લાખ જેટલા લોકોના મૃત્યુ થયા છે. આ તમામ લોકોને સહાય મળે અને જે મેડિકલ પ્રાઇવેટ હૉસ્પિટલમાં સારવાર લીધી છે તેમને 50% રકમ સરકાર તરફથી આપવામાં આવે. ખાસ કરીને મૃત્યુ પામેલા લોકોના સર્ટિફિકેટમાં કોરોનાનો ઉલ્લેખ કરાયો નથી તેવા તમામ સર્ટિફિકેટ સુધારવામાં આવે. ભારતીય જનતા પાર્ટીની તમામ પ્રકારની નિષ્ફળતાના કારણે સમગ્ર ગુજરાતમાં જે લોકો હેરાન થઇ રહ્યા છે તેમના તરફે કોંગ્રેસ ઊભી છે. વિધાનસભાના ફ્લોર પર અમે આ જ માંગણી સાથે અમારી શરૂઆત કરવાના છીએ.
આ પણ વાંચો: વિધાનસભાના ચોમાસુ સત્ર અગાઉ ભાજપના ધારાસભ્યદળની યોજાઈ બેઠક
આ પણ વાંચો: ગાંધીનગર પેથાપુર વોર્ડ નંબર 2ના મહામંત્રી સહિત 200 કાર્યકરો ભાજપમાંથી જોડાયા કોંગ્રેસમાં