- વિધાનસભા ગૃહમાં શહેરી વિકાસ મુદ્દે કરાઈ ચર્ચા
- કોંગ્રેસના ધારાસભ્યોએ શહેરોમાં વેરામાં 20 ટકા રાહત આપવાની કરી માગ
- લોકડાઉનમાં ઉદ્યોગોને રાહત આપી તેમ મિલકત પર રાહત આપવાની કરાઈ માગ
ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં આજે સોમવારે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા શહેરના નાગરિકોને માલ મિલકતના વેરામાંથી વિશિષ્ટ લાભ આપવાની માગ કરી હતી. અમદાવાદ શહેરના બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે શહેરી વિકાસની પૂરક માંગણીની ચર્ચા દરમિયાન શહેરોમાં વેરામાં 20 ટકા માફીની માગ કરી હતી. પટેલે જણાવ્યું હતું કે, લોકોની રોજગારી જતી રહી છે તો સરકારે શહેરોમાં વેરામાં એક વર્ષની માફી આપવી જોઈએ, બજેટ તૈયાર થાય છે પણ તેનો અમલ સમયસર થતો નથી. રોડ રસ્તા, બાગ બગીચા, શાળા ટીપી સ્કીમનો અમલ માત્ર કાગળ પર ના રહી જાય અને તેનો ચોક્કસ અમલ થાય તેવી ગૃહમાં રજૂઆત કરી હતી.
આ પણ વાંચોઃ રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 313 સિંહના થયા છે મોત, વિધાનસભામાં રાજ્ય સરકારે કર્યો ખુલાસો
રહેઠાણ મિલકત વેરામાં સરકાર રાહત આપે તેવી માગ કરાઈ
વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરે માગ કરી હતી કે, કોરોના કાળમાં જેમ મનપા વિસ્તારમાં વાણિજ્ય વેરામાં 20 ટકા રાહત આપી હતી, તેમ રહેઠાણ મિલકત વેરામાં પણ સરકાર રાહત આપે. રાજ્યમાં 25 લાખ પરિવાર હીરા ઘસવાનું કામ કરે છે, હીરા વ્યવસાય સાથે જોડાયેલા લોકોનો વ્યવસાય વેરો માફ કરવો જોઈએ. તેમજ કહ્યું કે, સુરતમાં મનપા ચૂંટણીમાં કોંગ્રેસે ખાતું ખોલાવ્યું નથી છતાં પણ અમે રત્નકલાકારોની ચિંતા કરીએ છીએ.