- ગાંધીનગર મનપાની ચૂંટણી 18 એપ્રિલે થશે
- કોંગ્રેસ પાર્ટીએ જાહેર કર્યો મેનિફેસ્ટો
- ગ્રીન ગાંધીનગર બને તે પ્રકારના આપ્યા વચનો
ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી આગામી 18 એપ્રિલના રોજ થવાની છે, ત્યારે તે પહેલા કોંગ્રેસ પાર્ટી દ્વારા મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો હતો. સંકલ્પ પત્રમાં કોંગ્રેસે જો તેમની સરકાર બનશે તો આગામી 5 વર્ષની અંદર ગાંધીનગરને લગતા કયા પ્રકારના કાર્યો કરશું તેને પણ તેમને સંકલ્પ પત્રમાં જણાવ્યું હતું. જેમાં પાણી વીજળી વગેરેની સુવિધા તેમજ ગ્રીન ગાંધીનગર બને તે પ્રકારના વચનો આપ્યા છે. આ પ્રસંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, સી. જે. ચાવડા સહિતના કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: જૂનાગઢ મનપાની ચૂંટણી માટે ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ જાહેર કર્યો મેનિફેસ્ટો
સો યુનિટ વીજળી અને wifiની ફ્રી સુવિધા આપશું
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, ગાંધીનગરની જનતાને સો યુનિટ વીજળી ફ્રી મળી રહે તે પ્રકારની વ્યવસ્થા અમે કરશું. શહેરના નાગરિકોને આ ઉપરાંત ફ્રી wifi મળી રહે તે વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવાશે. આ ઉપરાંત તેમને વધુમાં કહ્યું હતું કે, ભૂતકાળમાં કેટલાક લોકો વ્યક્તિગત સ્વાર્થ માટે વિદ્રોહ કરી બીજી પાર્ટીમાં જોડાયા છે, પરંતુ અહીંની પ્રજાએ કોંગ્રેસનો વિકાસ જોયો છે. જેથી અહીંના લોકો વ્યક્તિ પર નહીં પક્ષ પર વિશ્વાસ રાખે છે. અમે કોરોનામાં ચૂંટણી પંચનું ધ્યાન કોરોના સંક્રમણ ન વધે તે માટે દોરેલું હતું અને આગામી સમયમાં અમારા દ્વારા ચૂંટણીમાં સંક્રમણ ન ફેલાય તેની જવાબદારી અમે લઈ રહ્યા છીએ.
શિક્ષણના વ્યાપારીકરણને અટકાવશું, 10 હજાર યુવાનોને રોજગારી આપશું
કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાએ સંકલ્પ પત્રમાં જણાવ્યું હતું કે, શિક્ષણમાં થઇ રહેલા વ્યાપારીકરણને અટકાવશું તેમજ બાળકોને ફ્રીમાં ભણાવશું. રીડિંગ લાઇબ્રેરીની અહીં અછત છે જેથી લાયબ્રેરી પણ બનાવશું અને એક્સપર્ટ ટીચર મળી રહે તેવી વ્યવસ્થા કરશું. કોન્ટ્રાક્ટ સિસ્ટમ અને આઉટસોર્સિંગથી ભરતી બંધ કરી રેગ્યુલર ભરતી કરશું. જેમાં દસ હજાર યુવાનોને રોજગારી મળશે. તળાવને પાણીથી ભરશું અને તેમાં ડોલ્ફીન શોનું આયોજન પણ કરશું. આઇકોનિક ગાંધીનગર બને તેવા પ્રયાસો અમારી સરકાર કરશે.
આ પણ વાંચો: વડોદરામાં લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે ચૂંટણી મેનિફેસ્ટો કર્યો જાહેર
ગાંધીનગરના પાણીના પ્રશ્નોનું નિરાકરણ કરશું
સી.જે. ચાવડાએ વધુમાં કહ્યું કે, ગાંધીનગરની રચના થઇ ત્યારે 30 હજાર લોકો હતા. અત્યારે ગાંધીનગરની વસ્તી વધી છે, પરંતુ પાણીનો પ્રશ્ન પણ તેની સાથે વધી રહ્યો છે. જેથી ગટરની યોજનાઓ, પાણીની ટાંકીઓ નવા પાણીના નળ મળી રહે તેવી વ્યવસ્થા અને તેમાં પણ અત્યારની પરિસ્થિતિમાં ઓછા ફોર્સથી પાણી આવે છે, ત્યારે ફુલ પ્રેશરથી પાણી મળી રહે તે પ્રકારના પ્રયત્ન કરશું. પબ્લિક ટ્રાન્સપોર્ટનો વ્યાપ વધારી ટેક્સના ભારણ વિનાનું ગાંધીનગર બનાવશું.
કોર્પોરેશનની ખાલી જગ્યાઓ ભરાશે, દીકરીઓ સશક્ત બને માટે સેલ્ફ ડિફેન્સ શીખવશું
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, મહાનગરની દીકરીઓ સશક્ત બને એ માટે કરાટે, જૂડોની તાલીમ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરાશે. કોર્પોરેશનની ખાલી રહેલી જગ્યાઓ વહેલામાં વહેલી તકે ભરાશે. ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ સર્વિસથી શોષણ થઈ રહ્યું છે. તેમને કાયમી નોકરી આપશું.