- મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ કચ્છમાં જવાનો સાથે ઉજવશે દિવાળી
- નેવી, બીએસએફ અને આર્મીના પરીવાર સાથે કરશે દિવાળીની ઉજવણી
- રાજયકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ રહેશે હાજર
- દિવાળીની પૂર્વ સંધ્યાએ બોર્ડર પર થશે ઉજવણી
ગાંધીનગર : ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર દિવાળી સેનાના જવાનો સાથે ઉજવે છે, આ પરંપરા ગુજરાતના તમામ પૂર્વ મુખ્યપ્રધાન જેવા કે આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીએ જાળવી રાખી છે, ત્યારે ગુજરાતમાં નવનિયુક્ત મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ આ વર્ષે ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા આંતરરાષ્ટ્રીય બોર્ડર ખાતે બીએસએફ સેના આર્મીના જવાનો અને તેમના પરિવારજનો સાથે દિવાળીની ઉજવણી (Bhupendra Patel will celebrate Diwali ) કરશે.
ગુજરાત પોલીસ કરશે પ્રદર્શન
રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ કચ્છના ધોરડો ખાતે દિવાળીના કાર્યક્રમની ઉજવણી કરશે, જેમાં ખાસ આર્મી બીએસએફ એરફોર્સ અને સેનાના જવાનો સાથે (celebration of diwali with army) દિવાળીની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમ્યાન જવાનોના પરિવારજનો પણ સાથે રહેશે અનેે ગુજરાત પોલીસ દ્વારા ખાસ પ્રદર્શન યોજવામાં આવશે.
કોરોના પછીનો મોટો કાર્યક્રમ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં કોરોના સંક્રમણે કહેર મચાવ્યો હતો, પરંતુ થોડા સમયથી સંક્રમણના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે બે વર્ષ બાદ કોઇ તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં ગુજરાત પોલીસ દ્વારા કચ્છ બોર્ડર ખાતે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની હાજરીમાં દિવાળીની ઉજવણી નિમિત્તે પ્રદર્શન કરવામાં આવશે.
અમદાવાદમાં 2 TRB જવાનો સસ્પેન્ડ
રાજ્યકક્ષાના ગૃહપ્રધાન અગાઉ પણ ટીઆરબી જવાનોની કામગીરી બાબતે કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે કોઈપણ શહેરમાં ટીઆરબી જવાન વાહન રોકી શકશે નહીં અને દંડ ઉઘરાવી શકશે નહીં, તેમ છતાં અમદાવાદમાં વાહનચાલકો પાસેથી દંડ ઉઘરાવી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયો રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી પાસે પહોંચતાં જ સંઘવીએ તાત્કાલિક ધોરણે જવાનોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે, આ ઉપરાંત દિવાળીના તહેવાર દરમિયાન કોઈ પણ નાગરિકને કોઈ પણ લોકો હેરાન-પરેશાન કરતા હોય તો સીધા સંપર્ક કરીને ફરિયાદ કરવાની જાહેરાત પણ કરી છે.
પોલીસ આંદોલન બાબતે કડક કાર્યવાહી
બાપુનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યા ગુજરાત વિધાનસભાના પગથીયા પર શરૂ કરેલ પોલીસ આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું. ત્યારબાદ સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં પોલીસ પરિવારજનો દ્વારા આંદોલન કરવામાં આવ્યો હતો અને ગ્રેડ પેની માંગ કરવામાં આવી હતી, ત્યારે રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે કમિટી બનાવીને તમામ જિલ્લામાં ઝોન પ્રમાણે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેની પ્રથમ બેઠક 3 નવેમ્બરના રોજ ગાંધીનગર જિલ્લા ખાતે યોજાશે. આ બાબતે હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસ પરિવારના તમામ મુદ્દાઓનો ઉકેલ તાત્કાલિક ધોરણે લાવવામાં આવશે.