ગાંધીનગર: કેન્દ્ર સરકારની આયુર્વેદ ફાર્મસી પાસેથી ગુજરાત માટે 7 ટન આયુર્વેદ ઔષધનો જથ્થો ખાસ વિમાન મારફતે ગુજરાતને આપવામાં આવ્યો છે. આ આયુર્વેદ દવાઓ સોમવારે અમદાવાદ આવી પહોંચી હતી.
જે આયુર્વેદ દવાઓ ગુજરાત માટે ફાળવવામાં આવી છે, તેમાં 2,490 કિ.ગ્રા. સંશમની વટી, 1.440 કિ.ગ્રામ દશમૂલ કવાથ અને 10 હજાર કિ.ગ્રામ આયુષ-64 કેપ્સ્યુલનો સમાવેશ થાય છે. આ દવાઓ સામાન્યત 7 દિવસ માટે લેવાની હોય છે તે દ્રષ્ટિએ 4.5 લાખથી વધુ લોકોને તેનો લાભ મળી શકવાનો અંદાજ છે.
કોરોનાના દર્દીઓને સારવાર ઉપરાંત તેમનામાં રોગ પ્રતિકાર શક્તિ વધારવાની બાબતને પણ વૈશ્વિક સ્વીકૃતિ મળી છે, ત્યારે માનવ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારનારી આયુર્વેદિક દવાઓનો વપરાશ વધ્યો છે.
ગુજરાતમાં આ આયુર્વેદિક દવાઓ સીધી અને ઉકાળા સ્વરૂપે આપવાની પ્રક્રિયા સાર્વત્રિક બનાવાઈ છે, ત્યારે રાજ્યમાં આ આયુર્વેદિક દવાનો જથ્થો જળવાઈ રહે તે માટે વધુ 7 ટન આયુર્વેદિક દવાઓ ગુજરાતને ઉપલબ્ધ થયો છે.
રાજ્યમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધતાં આયુર્વેદ ઔષધિઓના ઉપયોગ અને ઊકાળા વિતરણથી નાગરિકોની રોગપ્રતિકારક શકિત વધે તે માટે સ્પષ્ટ દિશાનિર્દેશો આપેલા હતા. આ સંદર્ભમાં રાજ્ય સરકારની આયુષ નિયામક તંત્ર દ્વારા 1.79 કરોડ જેટલા ડોઝ રોગપ્રતિરોધક ઊકાળાના નાગરિકોને આપવામાં આવ્યા છે. એટલું જ નહીં, સંશમની વટી ગોળીનો લાભ 13.30 લાખ લોકોએ તેમજ આર્સેનિકમ આલબ્મ-30 પોટેન્સિનો 1 કરોડ 4 લાખ લોકોએ લાભ મેળવ્યો છે.
ગુજરાતે આયુર્વેદના પ્રચાર-પ્રસાર અને ઉપયોગને પ્રાધાન્ય આપ્યું છે અને રાજ્યની જામનગર આયુર્વેદ યુનિવર્સિટીને ભારત સરકારે આયુર્વેદ શોધ-સંશોધન સેન્ટર ઓફ એકસલન્સ તરીકે પણ માન્યતા આપી છે. જેથી રાજ્યમાં વધુને વધુ લોકોમાં આયુર્વેદ દવાઓના ઉપયોગથી રોગપ્રતિકારક શકિત વધશે.