ગાંધીનગર: રાજયમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યાં છે, ત્યારે દિલ્હીની કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકારને 24 હજાર રેપિડ ટેસ્ટ કિટ આજે ગુજરાત સરકારને સોંપવામાં આવી છે, પરંતુ આ રેપિડ ટેસ્ટ ક્રિકેટર તુરંત જ અમલમાં અથવા તો ઉપયોગમાં નહીં લઇ શકાય. કારણ કે રેપિડ ટેસ્ટ કિટ પહેલા રાજ્ય સરકાર આરોગ્ય વિભાગના કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવશે.
આ બાબતે રાજ્યના અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારને આજે રેપિડ ટેસ્ટ મળી ગઈ છે, પરંતુ આનો ઉપયોગ તાત્કાલિક ધોરણે કરવામાં આવશે નહીં. કારણ કે પહેલા આ કિટનું રાજ્યના ડોક્ટર અને નિષ્ણાતો પાસે પરિક્ષણ કરવામાં આવશે. પરીક્ષણ કર્યા બાદ જે આરોગ્ય વિભાગના કર્મચારીઓ ટેસ્ટીંગ પ્રક્રિયા કરે છે, તેમને પણ ખાસ ટ્રેનિંગ આપવામાં આવશે, ત્યારબાદ જ રેપિડ ટેસ્ટ કીટનો અમલ કરવામાં આવશે.
જ્યારે રાજ્યમાં કોરોનાના કહેર મુદ્દે આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, સવારે 10.30 કલાક બાદ વધુ 78 કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં અમદાવાદમાં 32, સુરતમાં 38, વડોદરામાં 5, અને બનાસકાંઠામાં 3 જેટલા કેસો સામે આવ્યા છે. જ્યારે 3 દર્દીઓના મોત નિપજ્યા છે. આમ, રાજ્યમાં કુલ 1099 કોરોના પોઝિટિવ દર્દીઓ થયા છે. જેમાંથી 963 દર્દી સ્ટેબલ, 9 દર્દી વેન્ટિલેટર પર અને 86 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 41 દર્દી મૃત્યુ પામ્યા છે.