ગાંધીનગરઃ શહેરના સેક્ટર-29ના સરકારી વસાહતમાં રહેતા અને માહિતી ખાતામાં ફરજ બજાવતા તેમજ ગત 6 મહિનાથી મુખ્યપ્રધાન કાર્યાલયમાં કેમેરામેન તરીકે પસંદગી પામેલા 42 વર્ષીય પરવેજ કરીમ લાખવા શનિ-રવિની 2 દિવસની રજામાં પોતાના સસરાના નિવાસ્થાને ગયા હતા. જ્યારે રવિવારે સરકારનો કોઇ કાર્યક્રમ પણ નહીં હોવાના કારણે ત્યાં રોકાઇ ગયા હતા. જ્યારે રવિવારે મોડી રાત્રે સેક્ટર-29 પરત આવ્યા ત્યારે મકાનના મેઇન દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં હતો. અંદર જઈને તપાસ કરતા ચોરી થયાનું સામે આવતા તેમણે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા પ્રમાણે તસ્કરો કેમેરા સહિત દાગીના ઉઠાવી ગયા હતા. જેમાં SONI PWX Z280 મોડલનો વીડિયો કેમેરા, 3 નંગ બેટરી, 128 GBના 2 મેમરી કાર્ડ, એડોપ્ટર, કાર્ડ રીડર, બેટરી ચાર્જર, એસડી કાર્ડ, કેમેરા બેગ, લેપટોપ, ટ્રાયપોર્ટ, દોઢ તોલાનું સોનાનો ડોકિયું, અડધા તોલાથી 2 નંગ વીંટી સહીત 5.88 લાખની મત્તા ઉઠાવી ગયા હતા.