- પાલિકાના 15 વોર્ડ માટે 51 ઉમેદવારો મેદાનમાં
- 16 ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ માટે 41 ઉમેદવારોએ ભર્યા ફોર્મ
- વોર્ડના સભ્યો માટે 199 ફોર્મ ભરાયા
દમણ: સંઘપ્રદેશ દમણના ઈતિહાસમાં રવિવારે પ્રથમવાર નગરપાલિકા, ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ એક સાથે યોજાઈ રહી છે. ત્યારે દરેક પક્ષ, અપક્ષ, વિપક્ષ અને તેમના નેતાઓએ પોતપોતાની સીટ જીતવા માટે પરસેવો વહાવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો આ જંગ જીતવા માટે ઉમેદવારો સાથે રાજકીય પક્ષોએ કેટલીય બેઠકો યોજી ડોર ટૂ ડોર પ્રચાર પણ કર્યો હતો.
ભાજપ અને JDU એલાયન્સ વચ્ચે છે સીધો જંગ
મતદારોને પોતાના પક્ષને મત આપવા માટે પક્ષ અને વિપક્ષ દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપ સાથે દિવસ રાત એક કરી નાખ્યા હતા. શુક્રવારે પ્રચારના છેલ્લા દિવસે ચૂંટણી વિભાગની ગાઇડલાઇન અનુસાર દરેક વિસ્તારોમાંથી ચૂંટણીને લગતા બેનરો અને પોસ્ટરો હટાવવાનું કાર્ય શરુ થઇ ગયું હતું. 8મી નવેમ્બરે દમણ મ્યુનિસિપલની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, જેડીયુ એલાયન્સ અને અપક્ષ સભ્યો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.
મરવડ પંચાયતમાં સૌથી વધુ ફોર્મ ભરાયા
દમણમાં આ વખતની ચૂંટણીમાં પાલિકાના 15 વોર્ડ માટે 51 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં વોર્ડ નંબર 9માં સૌથી વધુ 7 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જયારે દમણ જિલ્લાની કુલ 16 ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ માટે 41 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જ્યારે વોર્ડના સભ્યો માટે 199 ફોર્મ ભરાયા છે. જેમાં સૌથી વધુ 38 ફોર્મ મરવડ પંચાયતમાં સભ્યો માટે ભરાયા છે.
સરપંચ અને સભ્યો માટે 240 ફોર્મ ભરાયા
ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યો માટે કુલ 240 ફોર્મ ભરાયા છે. તો દમણ જિલ્લા પંચાયતની 16 બેઠક માટે 72 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેમાં સૌથી વધુ ડાભેલ બેઠક ઉપરથી 7 ઉમેદવારો મેદાનમાં છે. પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા દરેક ઉમેદવારોએ પોતાની પુરી તાકાત મતદારોને રીઝવવાના પ્રયાસમાં લગાવી દીધી હતી. 8 નવેમ્બરે દમણની તમામ સીટ પરના ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ જશે. ત્યારબાદ સૌની નજર 12મી નવેમ્બરે પરિણામના દિવસ પર રહેશે.