- વાપી GIDC VIAમાં પ્રમુખ બદલાયા
- પ્રકાશ ભદ્રાને સ્થાને કમલેશ પટેલની વરણી
- અઢી વર્ષથી વિવાદમાં છે VIA
વાપીઃ વલસાડ જિલ્લાના વાપી GIDC ખાતે (VIA) વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખની યોજાયેલી 2019ની ચૂંટણીમાં પ્રમુખપદે પ્રકાશ ભદ્રા સામે મહેશ પંડ્યાનો 7 મતે વિજય થયો હતો. આ મુદ્દે VIA દ્વારા સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરતાં પ્રમુખપદે પ્રકાશ ભદ્રાએ કારભાર સંભાળ્યો હતો. જેના બે વર્ષ બાદ પ્રકાશ ભદ્રાના સ્થાને નવા પ્રમુખ તરીકે કમલેશ પટેલની વરણી કરવામાં આવી છે.
VIA કમિટીની બેઠકમાં નવા પ્રમુખની કરાઈ જાહેરાત
વર્ષ 2019ની યોજાયેલી ચૂંટણીથી વર્તમાન VIAની ટીમ તથા મહેશ પંડ્યા જૂથ વચ્ચે સતત પ્રમુખપદનો વિવાદ ચાલી રહ્યો હતો. જે હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. આ વિવાદ વચ્ચે જ 11મી જુને એડવાઈઝરી બોર્ડની મળેલી બેઠકમાં પ્રમુખ પ્રકાશ ભદ્રાને બદલે VIA કમિટીની બેઠકમાં નવા પ્રમુખ તરીકે કમલેશ પટેલના નામની જાહેરાત કરી સર્વાનુંમતે વરણી કરવામાં આવી હતી. આ અંગે કમલેશ પટેલે તમામનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સભ્યોએ તેમના પર જે વિશ્વાસ મૂક્યો છે તેમાં તે ખરા ઉતરશે.
આ પણ વાંચોઃ Via કોવિડ સેન્ટરને NGOએ આપ્યું Bi-PAP મશીન
નારાજ સભ્યોને મનાવી લેવામાં આવશે
કમલેશ પટેલે પ્રમુખપદ સંભાળતા જ વધુમાં જણાવ્યુ હતુ કે, તે ઉદ્યોગોના હીતમાં કાર્ય કરશે, આગામી દિવસમાં જે પણ ઉદ્યોગોને નડતા પ્રશ્નો છે જેમાં નોટિફાઇડના પ્રશ્નો હોય કે અન્ય જે પેન્ડિંગ પ્રશ્નો હોય તે તમામને વહેલા પૂર્ણ કરવા પ્રતિબદ્ધતા બતાવી હતી. જ્યારે કમલેશ પટેલની પ્રમુખ તરીકેની વરણીમાં કેટલાક સભ્યો નારાજ હોવાની વહેતી થયેલી વાતો અંગે તેમણે જણાવ્યું હતું કે કોઈ નારાજગી નથી. તેમ છતાં જો એવી કોઈ બાબત ધ્યાને આવશે તો તેનું નિરાકરણ લાવી નારાજગી દૂર કરવામાં આવશે.
આ પણ વાંચોઃ વાપીમાં VIA વેક્સિનેશન કેમ્પમાં 2,774 લોકોએ વેક્સિનનો લાભ મેળવ્યો
ઉદ્યોગમિત્રોએ શુભેચ્છા પાઠવી
પ્રમુખની નિમણૂંક પ્રક્રિયા દરમિયાન પૂર્વ પ્રમુખ પ્રકાશ ભદ્રાની કામગીરીને બિરદાવવામાં આવી હતી. શુક્રવારે VIA પ્રમુખ કમલેશ પટેલને વર્ષ 2021-23ના કાર્યકાળ માટે જવાબદારી સોંપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, VIAમાં પ્રમુખપદ માટે બે વર્ષની જોગવાઈ છે. કોરોના કાળમાં નવા પ્રમુખની વરણી કરવા એકાદ મહિનો વિલંબ થયા બાદ આખરે કમલેશ પટેલને પ્રમુખનું સુકાન સોંપતા તમામ ઉદ્યોગો મિત્રોએ તેને શુભેચ્છા પાઠવી હતી.