દમણઃ 26મી જાન્યુઆરીથી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ-દિવ બને પ્રદેશનું એક જ પ્રદેશમાં વિલીનીકરણ થયું હતું. બે સંઘપ્રદેશના એક સંઘપ્રદેશમાં વિલીનીકરણ બાદ કેટલાક સરકારી વિભાગોમાં પણ ફેરફારો કરવામાં આવી રહ્યા છે. આ ફેરફાર અંતર્ગત વાહનોના રજિસ્ટ્રેશન નંબરમાં ફેરફાર થઈ રહ્યા છે. આ અંગે દાદરા નગર હવેલી RTO કચેરીના અધિકારી કવલજીત ચૌહાણે વિગતો આપતા જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં દાદરા નગર હવેલીના જે વાહનોનું રજિસ્ટ્રેશન પાર્સિંગ DN-09 હતું, જે બદલવામાં આવ્યું છે. હવે જે વાહનોનું રજિસ્ટ્રેશન થશે, તે વાહનો DD-01થી રજિસ્ટર કરવામાં આવશે. જૂના DN-09 પાર્સિંગના વાહનો યથાવત રહેશે.
નવા કોડ સાથે પાર્સિંગ થનારા વાહનોમાં માત્ર વાહનોના નંબર બદલાશે, લાઈસન્સમાં કે બીજી અન્ય કોઈ ફેરબદલ કરવામાં આવશે નહીં. RTOની મુખ્ય કચેરી દમણમાં રહેશે, આ ઉપરાંત દાદરા નગર હવેલી અને દિવમાં પણ RTOની એક-એક કચેરી રહેશે. વાહનચાલકો દમણ, દિવ કે દાદરા નગર હવેલીમાંથી વાહનો ખરીદી કરી, જે તે પ્રદેશમાં તેનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ માટે RTOનું પણ આધુનિકરણ કરવામાં આવ્યું છે. જે કારણે વાહનચાલકોને અનેક ફાયદા થશે. જેમાં મહત્વનો ફાયદો એ છે કે, તેમને પસંદગીના નંબરમાં મળી રહેશે. જે માટેની ફીનો દર ત્રણેય કચેરીમાં એક સરખો રહેશે.
ઉલ્લેખનીય છે કે, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દિવ એવા નવા નામે એક જ સંઘપ્રદેશ બનેલા દિવના વાહનોમાં DD-02 કોડ છે. દમણમાં DD-03 કોડ છે. હવે દાદરા નગર હવેલીને DD-01નો કોડ આપવામાં આવ્યો છે. દાદરા નગર હવેલીમાં 1.60 લાખ વાહનો DN-09ના રજિસ્ટ્રેશન ધરાવે છે. જેમનો નંબર યથાવત રહેશે. DD-01ના નવા રજિસ્ટ્રેશન કોડ એનાયત કરવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.