ભાવનગરઃ શહેરમાં મહિલા મંડળ દ્વારા પર્યાવરણને બચાવવાના હેતુથી નવા વિચાર સાથે નવરાત્રી ઉત્સવનું આયોજન કર્યું છે. વિદ્યાનગર ખાતે મહિલા મંડળ દ્વારા નવરાત્રીમાં મા આધ્યાશક્તિની ઉપાસના માટે ઇક્કો ફ્રેન્ડલી ગરબા અને કોડિયા બનાવવામાં આવ્યા છે.
મહિલાઓને ગરબા અને કોડીયા ઇક્કો ફ્રેન્ડલી બનાવવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા. જેને લઇને મહિલા મંડળમાં કુંભારને બોલાવવામાં આવ્યો હતો અને મંડળમાં આવેલી મહિલાઓને ગરબા અને કોડીયા બનાવતા શીખાડવામાં આવ્યું હતું.
મહિલાઓ દ્વારા આવનારા નવરાત્રી મહોત્સવમાં માટીના કોડીયા અને ગરબા ઉપયોગમાં લેવામાં આવે જેથી કરીને કુંભારોને રોજીરોટી મળી રહે અને પર્યાવરણને પણ બચાવી શકાય તેવા હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહિલા મંડળ દ્વારા માટીના બનાવેલા કોડીયા અને ગરબાઓ બનાવીને વિતરણ તેમજ વેચાણ પણ કરવામાં આવશે.