- વાવાઝોડાના પગલે શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક
- અમરેલી જિલ્લામાં પડેલા વરસાદથી ડેમમાં પાણી વધ્યું
- 8.5 ફૂટ પાણીની આવક થતા હાલની સપાટી 27.5 ફૂટ
ભાવનગર : તૌકતે વાવાઝોડાના પગલે અમરેલી જીલ્લામાં પડેલા ભારે વરસાદથી જિલ્લાના શેત્રુંજી ડેમ ખાતે 8.5 ફૂટ નવા પાણીની આવક થતા શેત્રુંજી ડેમની હાલની સપાટી 27.5 ફૂટ પર પહોંચી છે.
આ પણ વાંચો: તૌકતે વાવાઝોડું : મહુવામાં ડાંગરને મોટું નુકસાન, તૈયાર પાક વરસાદમાં ભીંજાયો
ચોમાસામાં ડેમ છલોછલ ભરાઈ જવાની શક્યતા
તૌકતે વાવાઝોડાએ 17 અને 18 મે ના રોજ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તરખાટ મચાવતા ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ તેમજ ઉનામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લામાં વાવાઝોડા દરમ્યાન પડેલા વરસાદના કારણે ભાવનગર જીલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં સારી એવી પાણીની આવક જોવા મળી છે. વાવાઝોડા પહેલા ડેમની સપાટી 19 ફૂટ હતી. જે હાલમાં 27.5 ફૂટ જોવા મળી રહી છે. શેત્રુંજી ડેમમાં ચોમાસા પહેલા જ પાણીની આવક થતા આ વર્ષે ચોમાસા દરમ્યાન ડેમ છલોછલ ભરાઈ જવાની અધિકારીઓ તેમજ શહેરીજનો આશા વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો: તૌકતે વાવાઝોડાના કારણે અમરેલીમાં વીજ પોલ, 66કેવી અને ફિડરો થયા ડેમેજ
શું કહી રહ્યા છે કાર્યપાલક ઈજનેર ?
શેત્રુંજી ડેમ ખાતે વાવાઝોડા દરમ્યાન આવેલા નવા નીર બાબતે જળ સિંચાઈ વિભાગના ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર જી. એચ. લાખનોતરાએ જણાવ્યું હતું કે, તૌકતે વાવાઝોડાના કારણે અમરેલીમાં પડેલા ભારે વરસાદના કારણે શેત્રુંજી ડેમમાં 8.5 ફૂટ નવા પાણીની આવક થઇ છે. અગાઉ ડેમની સપાટી 19.5 ફૂટ પર હતી. જે પાણીની આવક થતા વધીને 29.5 ફૂટ જોવા મળી રહી છે. જેના કારણે ચોમાસા પહેલા જ ડેમ 50 ટકા ભરાઈ જતા જિલ્લામાં પીવાના પાણીની મુશ્કેલી દુર થશે.