ભાવનગરઃ ભાવનગર શહેરમાં રસ્તા પર રખડતી ગાયોના ત્રાસની સમસ્યાનું સમાધાન વર્ષોથી સ્થાનિક તંત્ર હલ કરી શક્યું નથી. ત્યારે અકસ્માતમાં ઇજાગ્રસ્ત કે બિમાર હોય એવી બિનવારસી ગાયોની સાચવણી માટે શહેરના અલગ અલગ વિસ્તારોમાં 7 જેટલી ગૌશાળાઓ આવેલી છે. આવી જ એક ગૌશાળા છે ચિત્રા GIDC વિસ્તારની 'ગૌ ગંગા ગૌ સેવા ગૌશાળા'. જેમાં લગભગ 60 થી 70 ગૌરક્ષકો એકત્રિત થઇ વિવિધ પ્રકારે ગાયમાતાની સેવા કરે છે.
ગૌ ગંગા ગૌ સેવા ગૌશાળામાં 250 જેટલી ગાયો તેમજ ખુટિયા રાખવામાં આવ્યા છે. એમબ્યુલન્સ દ્વારા ગૌરક્ષકો ગાયને અહીં લઇ આવે છે અને ઇજાગ્રસ્ત ગાયની સારવાર કરવા અને તેને પીડામાંથી બહાર કાઢવા ડોક્ટર સહિત તમામ તબીબી સારવાર અહીં ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
ગાય અમારી માતા છે તેમ ફક્ત બોલી દેવાથી જ ગૌસેવક નથી બની જવાતું, ગાયના સંવર્ધન માટે દયા અને સેવાની ભાવના હોવી પણ તેટલી જ જરૂરી છે. ગાયના નામે રાજકીય રોટલો શેકતા લોકો જ્યારે રસ્તા પર ગાયો ઇજા પામતી હોય અથવા બીમારીને પગલે મોતને પણ ભેટતી હોય છે પરંતુ તેમના પેટનું પાણી હલતું નથી. ત્યારે ગૌશાળામાં સેવા કરતા આ ગૌસેવકો નિસ્વાર્થ ભાવે સેવા કરે છે જે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડે છે.
ભાવનગરથી ચિરાગ ત્રિવેદીનો વિશેષ અહેવાલ.