- રાજકોટ ભાજપે શરૂ કર્યો પ્રચાર
- આ વખતે પ્રચારમાં અપનાવ્યો નવો રસ્તો
- કમલમ ફ્રૂટ સાખે રાખી ઉમેદવારે કર્યો પ્રચાર
રાજકોટઃ તાજેતરમાં જ મુખ્યપ્રધાન રૂપાણીએ ડ્રેગન ફ્રૂટને કમલમ ફ્રૂટ નામ આપ્યું છે, ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ કમલમ ફ્રૂટ લઈને ભાજપના ઉમેદવારો પ્રચાર કરતા જોવા મળ્યા હતા. રાજકોટ મનપાના વોર્ડ નંબર 10ના ભાજપના ઉમેદવારો હાથમાં કમલમનું ફ્રૂટ લઈને પ્રચાર કરતા જોવા મળ્યા હતા. જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જો કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ડ્રેગન ફ્રૂટનો ઉપયોગ કરવામાં આવતા રાજકારણ પણ ગરમાવો જોવા મળ્યો છે.
ભાજપના ઉમેદવારો કમલમ ફ્રૂટ સાથે પ્રચાર કરતા જોવા મળ્યા
રાજકોટ મનપાની ચૂંટણીઓ જાહેર થઈ છે, ત્યારે વોર્ડ નંબર 10ના ભાજપના ઉમેદવારો જ્યોત્સના ટીલાળા, ડૉ.રાજેશ્રી ડોડીયા, નરેન્દ્રસિંહ વાઘેલા અને ચેતન સુરેજા આજે સોમવારે ડ્રેગન ફ્રૂટ હાથમાં લઇને પ્રચાર કરી જનસંપર્ક કરતા નજરે પડ્યા હતા. વોર્ડ નંબર 10માં કુલ 54,583 મતદારો છે અને આ વોર્ડમાં પાટીદાર સમાજનું પ્રભૂત્વ છે. અનોખા પ્રચારમાં ઉમેદવારો ડ્રેગન ફ્રૂટ સાથે ડોર ટૂ ડોર પ્રચાર કરી રહ્યાં છે. જે તમામ લોકોના આકર્ષકનું કેન્દ્ર બન્યા હતા.
CM રૂપાણીએ ડ્રેગન ફ્રૂટને આપ્યું કમલમ ફ્રૂટ નામ
તાજેતરમાં જ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ડ્રેગન ફ્રૂટને કમલમ ફ્રૂટ નામ આપ્યું છે. જેને લઇને ઘણી જગ્યાએ તેનો વિરોધ પક્ષ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. જો કે, આ અંગે રૂપાણીએ ડ્રેગન ફ્રૂટને કમળ જેવું દેખાતું હોવાના કારણે તેનું નામ કમલમ ફ્રૂટ આપ્યું હોવાનું જણાવ્યું હતું, ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે કમલમ ફ્રૂટનો પણ ઉપયોગ કરવામાં આવતા હાલ સમગ્ર મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.