- ભાવનગરમાં ગેેસ કનેક્સનના નામે ગેસ કંપનીના લોલીપોપ
- શહેરમાં ગેસ કનેક્સન આવ્યા આશરે 5 વર્ષ થયા
- લોકો દબાણ કરે તો રિફંડ આપવાની ગેસ કંપનીની ધમકી
ભાવનગરઃ શહેરમાં ગેસ લાઇન આવ્યા એને આશરે 5 વર્ષ થયા છે અને લોકોની ડિપોઝિટ લઈ લીધા બાદ ક્યાંક 3 તો ક્યાંક 5 તો ક્યાક 6 માસ સુધી હજુ કનેક્શન આપવામાં આવ્યા નથી. લોકો દ્વારા દબાણ કરવામાં આવે તો કંપની દ્વારા રિફંડ પરત લઈ જવાની ધમકીઓ મળી રહી છે, ત્યારે આખરે શું કહે છે ગ્રાહકો અને શું કહે છે કંપની જુઓ અમારો આ વિશેષ અહેવાલ.
ભાવનગરમાં ગેસ કનેકશનમાં ધાંધીયા
ભાવનગરમાં પૂર્વ મુખ્ય પ્રધાન અને હાલના વડાપ્રધાન દ્વારા ઘરે ઘરે ગેસ લાઇન આપવાની જાહેરાત કરવામાં આવી અને સફળતા પૂર્વક લાઇન ભાવનગર સુધી પહોંચતી પણ કરી દેવામાં આવી હતી. જેથી અનેક લોકો લાભ લઇ શક્યા તો અનેક લોકોને ત્યાર બાદ આવેલા રાજ્ય સરકારના માળખાના ફેરફાર બાદ ગેસ કનેક્શન આપવામાં અને સેવામાં વિલંબો જોવા મળી રહ્યો છે. તેમને સમયસર કનેક્શન મળતાં નથી.
કનેક્શન માટે લોલીપોપ
ભાવનગર શહેરમાં એક એવો વિસ્તાર સામે આવ્યો છે. જેમાં આશરે 7થી વધુ કનેક્શન માટે રાહ જોવામાં આવી રહી છે. એક કિસ્સો તો એવો છે જેમાં 2017થી પૈસા લઇ લેવામાં આવ્યા છે, પરંતુ ગેસ ઘરમાં આવ્યો નથી. તો તેની લાઈનમાં રહેતા અન્ય લોકો પણ કોઈ વર્ષ તો કોઈ 6 મહિના તો કોઈ 3 મહિનાથી પૈસા ભરપાઈ કરવા છતાં ગેસ કનેક્શન મેળવી શક્યા નથી.
3 વર્ષથી રાહ જોતું વૃદ્ધ દંપતી અને લોકોની વેદના
મંગુબેન મકવાણાએ 2017માં ગેસ કનેકશન માટે 1800 જેવી કિંમત ભરપાઈ કરી દીધી છે અને હાલ 2-3 મહિના પહેલાં પાઇપ લાઇન નાખી ગયા, પરંતુ હવે ગેસ ક્યારે આવશે તેના માટે જવાબ કંપની આપતી નથી. વૃદ્ધ દંપતિનો આક્ષેપ છે કે, ત્રણ વખત 10 કિલોમીટર દૂર ગુજરાત ગેસની કચેરી સુધી ધક્કા ખાઈ લીધા અને જવાબ હવે એવો આપે છે કે તમારે કનેકશન ના જોઈતું હોય તો રિફંડ લઈ જાવ. જેથી લોકોનું કહેવું છે કે, 3 વર્ષના પૈસાના વ્યાજનું શું ?
કનેક્શન ક્યારે આપશે તે જણાવતા નથી
મંગુબેનની બાજુમાં રહેતા અનિરુદ્ધ પાઠક પણ 5 મહિના પહેલા પૈસા ભરપાઈ કરી આવેલા છે અને તેમને પણ જવાબ એવો જ મળે છે કે, ઉતાવળ હોઈ તો રિફંડ લઈ જાવ. જેથી પ્રશ્ન એ છે કે સરકાર ગેસ લાઇન સુવિધા આપવા માંગે છે કે નહીં. ગેસ કનેક્શનના પૈસા ભરનારા લોકોનો આક્ષેપ છે કે, કનેક્શન કોઈ માંગે એટલે તાત્કાલિક કંપનીનો માણસ પૈસા લઈ જાય છે, પરંતુ કનેક્શન ક્યારે આપશે તે જણાવતા નથી.
કંપનીના જવાબદાર અધિકારી કેમેરા સામે આવવાની મનાઈ ફરમાવે છે
ઇટીવી ભારતની ટીમે જવાબદાર અધિકારી ઉપેન્દ્ર શર્મા સાથે વાતચીત કરી હતી. જો કે, ફોનમાં તેમણે મેનેજર અને ઉપેન્દ્ર શર્મા હોવાનું જણાવ્યું હતું. કારણ કે, અધિકારી પોતાનો મોબાઈલ નંબર પણ આપતા નથી અને નીચે સિક્યુરિટીના લેન્ડલાઈન ફોનમાં વાત કરે છે. ઇટીવી ભારત સાથે વાતચીતમાં અધિકારીએ જણાવ્યું હતું કે, તે વડી કચેરીને પૂછ્યા વગર કોઈ જાણકારી આપી શકે નહીં.