- બ્રજેશ શર્માએ 20 હજાર KMની સાયકલ યાત્રા કરી આપ્યો પર્યાવરણ જાગૃતિનો સંદેશો
- ઓર્ગેનિક ખેતી અને સિંગલ પ્લાસ્ટિક યુઝ બેન કરવા માટે સાયકલ યાત્રા
- યુરોપની સારી નોકરી છોડી દેશના ખેડૂતો અને પ્રજાને જાગૃત કરવા સાયકલ યાત્રા કરી રહ્યા છે
ભાવનગર : મન હોય તો માળવે જવાય આ કહેવતને સાર્થક કરવા માટે મધ્યપ્રદેશના મુરૈનાના રહેવાસીએ સિંગલ પ્લાસ્ટિક અને ઓર્ગેનિક ખેતી વિશે જાગૃતિ લાવવા ભારત સહિતના દેશોમાં સાયકલ યાત્રા કરી છે. 20 હજાર કિલોમીટરની યાત્રા કરનારા બ્રજેશ શર્મા ભાવનગર આવી પહોંચ્યા હતા.
ઓર્ગેનિક ખેતી અને સિંગલ પ્લાસ્ટિકની જાગરૂકતા માટે સાયકલ અભિયાન
મધ્યપ્રદેશના મુરૈનાના રહેવાસી બ્રજેશ શર્મા યુરોપમાં એક ખાનગી કંપનીમા કામ કરતા હતા. જ્યાં તેમને એક મિત્રએ સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં ફસાયેલા પક્ષીનો વીડિયો મોકલ્યો અને તે જોયા બાદ બ્રજેશ શર્માનું મન બદલાયું અને નોકરી છોડીને વિશ્વ અને ભારતમાં સાયકલ યાત્રા કરીને લોક જાગૃતિ માટે પેડલ મારવાની શરૂઆત કરી હતી. બ્રજેશ શર્મા હાલ ભાવનગર આવી પહોંચ્યા છે.
કેટલા રાજ્યો અને કેટલા KM તેમજ કેટલા લોકોને મળ્યા?
બ્રજેશ શર્માએ સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યા બાદ તેમને ભારતમાં 7 રાજ્યો ફરી ચૂક્યા છે, તેમાં 105 શહેર અને 8 હજારથી વધુ ગામડાઓમાં ભ્રમણ કરી ચૂક્યા છે. તેમને અલગ શહેરોમાં આવતી યુનિવર્સિટીઓની મુલાકાત લીધી છે. આ સાથે 22 લાખ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે. રસ્તામાં આવતા ગામડાઓમાં ઉભા રહીને લોકોને સમજાવે છે કે, ઓર્ગેનિક ખેતી કરવામાં આવે તો જમીનને બચાવી શકાય છે. બ્રજેશ શર્મા ગુજરાતના દરિયાઈ કાંઠા વિસ્તારમાં ભ્રમણ કરીને ફરી મુંબઇ જશે અને બાદમાં સાઉથ તરફ પ્રયાણ કરશે.
બ્રજેશ શર્મા સાથે કોણ જોડાયું ?
બ્રજેશ શર્મા મહારાષ્ટ્રના મુંબઇ પહોંચ્યા એટલે લોકડાઉન થઈ ગયું હતું. તેથી તેમને મુંબઇ આસપાસના જનગલ વિસ્તારમાં સમય વિતાવ્યો અને બાદમાં મુંબઈના દીપ્તિ શાહ અને કૃષ્ણકાંત પરીખને મળ્યા હતા. દીપ્તિ શાહ અને કૃષ્ણકાંત પરીખે બ્રજેશ શર્માને સાથે આપવાનું કહ્યું અને ગુજરાત પૂરતું સાયકલ ભ્રમણ કરવા માટે તૈયારી દર્શાવી હતી. તેથી દીપ્તિ શાહ અને કૃષ્ણકાંત પરીખ ભાવનગર સાથે આવી પહોંચ્યા છે. બન્ને ઓર્ગેનિક ખેતી અને સિંગલ યુઝ પ્લાસ્ટિક માટે જાગૃતિ ફેલાવવામાં સાથ આપી રહ્યા છે.