- સિટી મામલતદાર સિવાય નથી મળતું રેમડેસીવીર ઇન્જેક્શન
- 1500 આસપાસ જરૂરિયાત સામે માત્ર 600નું વિતરણ
- 30 એપ્રિલ સુધી કોઈ ડીલર્સને ઇન્જેક્શન મળશે નહીં
ભાવનગર: શહેરમાં 19 એપ્રિલથી ડીલર્સ પાસે રેમડેસીવીર ઇન્જેક્શન નથી. રોજની માગ આશરે 1500 ઇન્જેક્શનની હોવાનું કેમિસ્ટ એસોસિયેશન પ્રમુખ જણાવી રહ્યા છે. આ ઉપરાંત કોઈ પણ કંપનીના નિર્ણયને પગલે ડીલર્સને 30 એપ્રિલ સુધી મળવાના ન હોવાથી ડીલર્સ અફસોસ કરી રહ્યા છે કે, ગુજરાતની કંપની અને ગુજરાતના લોકો ઇન્જેક્શન વગર રહે તે દુઃખની વાત છે. ત્યારે, એક બાજુ સ્થાનિક તંત્રને રોજના 600 ઇન્જેક્શન મળતા હોવાનું કલેક્ટર જણાવી રહ્યા છે.
આ પણ વાંચો: જૂનાગઢમાં રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો હજુ પણ પૂરતા પ્રમાણમાં નહિ: જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધી
ઇન્જેક્શન ફાર્માસ્યુટિકલવાળા ડીલર્સ પાસે નથી
ભાવનગર શહેરમાં આજે પણ રેમડેસીવીર ઇન્જેક્શન ફાર્માસ્યુટિકલવાળા ડીલર્સ પાસે નથી. શહેરના મુખ્ય ડીલર્સ કહેવાતા એવા 5 ડીલર્સ પાસે રેમડેસીવીર ન હોવાથી રોષ વ્યકત કરી રહ્યા છે. જોકે, કંપનીમાંથી ઇન્જેક્શન આવતા નથી અને તંત્રને જરૂરિયાત પૂરતા રોજના આપવામાં આવી રહ્યા છે.
એક પણ ડીલર્સ પાસે હાલ ઉપલબ્ધ નથી
ભાવનગર શહેરમાં રેમડેસીવીર ઇન્જેક્શન એક પણ ડીલર્સ પાસે હાલ ઉપલબ્ધ નથી. છેલ્લા 6 દિવસથી ડીલર્સ પાસે મોટા પ્રમાણમાં માગ હોવા છતાં ઇન્જેક્શન નહીં હોવાથી રોષ જોવા મળી રહ્યો છે. આશરે 3થી 4 જેટલી કંપનીઓ પાસે રેમડેસીવીર પૈકી એક પણ ઇન્જેક્શન ઉપલબ્ધ નથી.
કેમિસ્ટ એસોસિયેશનનું શું કહેવું અને કેટલી માગ
ભાવનગર શહેરમાં રોજના 1500 આસપાસ ઇન્જેક્શનની માગ હોવા છતાં ડીલર્સ પાસે એક પણ ઇન્જેક્શન નથી. ત્યારે, કેમિસ્ટ એસોસિયેશનના પ્રમુખ પ્રદીપ મહેતાએ જણાવ્યું હતું કે, હાલ કંપનીમાં નિર્ણય લેવાયો છે કે, 19થી 30 એપ્રિલ સુધી કોઈ ઇન્જેક્શન ડીલરોને મળશે નહીં. ઇન્જેક્શન ગુજરાતની જ કંપની બનાવતી હોવા છતા ગુજરાતની પ્રજાને મળે નહીં અને બહાર જતા રહે તેનું દુઃખ વધુ લાગે છે.
આ પણ વાંચો: અમદાવાદ મનપાએ ખાનગી હોસ્પિટલને રેમડેસીવીર આપવાના બંધ કર્યા
રેમડેસીવીર ક્યાં મળી રહ્યું છે અને કેટલા પ્રમાણમાં
ભાવનગર શહેરમાં રેમડેસીવીર સિટિ મામલતદાર કચેરી સિવાય ઉપલબ્ધ નથી. ભાવનગર કલેક્ટર સાથે આ બાબતે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આપણે સિટિ મામલતદાર કચેરીએથી રોજના 600 ઇન્જેક્શન આપીએ છીએ. આ ઉપરાત, આપણે હોસ્પિટલોને સીધા આપીએ છીએ વ્યક્તિગત શક્ય નથી. 1000 કરતા વધુ રેમડેસીવીરની જરૂરિયાત હશે પણ આવક જ ઓછી છે તો કોઈ શુ કરી શકે.
રેમડેસીવીર માટે કરવામાં આવી રહી છે માંગ
ભાવનગર મહાનગરપાલિકાના મેયર કીર્તિ દાણીધરીયા સહિત કેમિસ્ટ એસોસિયેશન સિવાય પણ ઘણા લોકો દ્વારા સરકાર અને તંત્ર પાસે રેમડેસીવીર ઇન્જેક્શનની માંગ કરેલી છે. પરંતુ, કંપનીમાં ચાલતા અન્ય વહીવટી કાર્યને પગલે રેમડેસીવીર નહિ હોવાનું કેમિસ્ટ એસોસિયેશન પ્રમુખે જણાવ્યું હતું. માંગ ઘણી છે અને દર્દી પણ ઘણા છે.