ભાવનગરઃ દર્દી દેવો ભવ પરંતુ ભાવનગર સર ટી હોસ્પિટલમાં દર્દી દુઃખી ભવ જેવો ઘાટ છે. સર ટી હોસ્પિટલમાં દર્દીના મોત બાદ ડૉક્ટર સાથે માથાકૂટ થાય પછી મારામારી અને અંતમાં હડતાળ અને કેસ કાર્યવાહીમાં મૃતકનો પરિવાર મૃતકને ભૂલીને થયેલી ઘટનાને હલ કરવામાં લાગી જાય છે. આવી ઘટનામાં દર્દીઓ દેવો ભવ ભૂલીને ડૉકટર પોતાની પરિસ્થિતિને વળગી રહે છે.
ભાવનગર સર ટી હોસ્પિટલમાં વારંવાર છાશવારે દર્દીઓના સબંધીઓ સાથે મારામારીના બનાવો બનતા રહે છે, ત્યારે સોમવારે યાસીન ખાન નામના શખ્સને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. યાસીન ખાનનું વહેલી સવારે મોત થતા તેના પરિવારે ડૉક્ટર પર આક્ષેપ કર્યો અને મારામારી કરી હોવાનો બનાવ બનતા ડૉકટરો હડતાળ પર ઉતરી ગયા હતા. અન્ય દર્દીઓ રઝળી પડ્યા અને ડૉકટરો વિરોધ કરી પોતાની તંગડી ઊંચી રાખવામાં રહ્યાં હતાં. મૃતકનો પરિવાર મૃતકની વિધિ કરવાની દૂર પોલીસે મારામારી કરનારા શખ્સને પકડ્યો હોઈ તેને છોડાવવામાં લાગી ગયાં હતાં. હવે કહો દર્દી દેવો ભવ કે દર્દી દુખી ભવ જેવી સ્થિતિ છે.
સર ટી હોસ્પિટલમાં લાવવામાં આવેલા યાસીન ખાનના મૃત્યુ બાદની મારામારીમાં તેના પુત્રને પોલીસે અટકાયત કરી લીધી હતી. ભોગ બનનારા સાગર ગલચર ડૉકટર શરીર પર એક પણ ઇજાનું નિશાન નહીં હોવા છતાં હોસ્પિટલના ખાટલે મૂંઢ માર માર્યો હોવાના આક્ષેપ સાથે સારવારમાં દાખલ થઈ ગયા હતાં. યાસીનભાઈનો પરિવાર અને સમાજ પુત્રને છોડાવવા પોલીસ અને હોસ્પિટલના તંત્ર સાથે વાટાઘાટો કરવામાં રહ્યાં તો ડૉકટર બહાર હડતાળ પાડીને વિરોધ કરવામાં રહ્યાં અને પ્રજા હોસ્પિટલમાં હાલાકી અનુભવતી રહી હતી. હોસ્પિટલ તંત્રએ બનાવને પગલે ફરિયાદી થવાનું ટાળ્યું હતું તો ડૉકટર ફરિયાદી બને તેવી વાતો વચ્ચે અડધો દિવસ નીકળી ગયો અને પોલીસે ફરિયાદ બાદ પગલાં ભરવાની વાત કરી. જો કે, હોસ્પિટલના તંત્રએ ડૉકટરનો વાંક હશે તો પગલાં ભરવાની વાત કરી છે, પરંતુ તગડી રકમ આપેલી સિક્યુરિટીને પગલે કડક કાર્યવાહી કરી નથી.
સર ટી હોસ્પિટલમાં ખાસ કરીને પછાત વર્ગ આવે છે, ત્યારે ડૉક્ટરોનું બૌદ્ધિક વર્તન ખૂબ જરૂરી હોય છે. તેમાં પણ વ્યક્તિના મૃત્યુ બાદ તેના પરિવાર સાથેનો વ્યવહાર જ્યારે ખરાબ હોય તો મારામારી સુધી મામલો પહોચે છે, પરંતુ અહીંયા ક્યાંક ડૉકટર પોતાના વર્તનને સુધારવાનો બદલે પોતાનો અહમ ઘવાતો હોઈ છે અને હડતાળ પર ઉતરી જતાં હોય તેવું પ્રતીત થાય છે. હવે જોવાનું એ રહેશે કે, અનિચ્છનીય બનાવ બને નહીં માટે સિક્યુરિટી તો છે તો શું ફરી આવો બનાવ બનશે.