- ભાવનગરનો સૌથી મોટો લોક મેળો મોકૂફ: વહીવટી તંત્ર
- ભાદરવી અમાસના રોજ નિષ્કલંકના સમુદ્ર કિનારે લાખોની માનવ મેદની ઉમટી પડે છે
- ભાદરવી અમાસ તથા ઋષિ પંચમીનો મેળો પણ સ્થગિત રાખવા આદેશ
ભાવનગરઃ જિલ્લામાં પ્રતિવર્ષ શ્રાવણ માસથી શરૂ થઈને કારતક સુદ પૂર્ણિમા દરમિયાન અનેક ધાર્મિક સ્થળોએ ભવ્ય લોક ભાતીગળ મેળાઓ યોજાય છે. જેમાં લાખો લોકોની માનવ મેદની ઉમટી પડે છે પરંતુ, કોરોના વાઈરસની મહામારીને કારણે આ વષે તમામ લોક મેળાઓ તથા જે જે સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં હોય એવાં તમામ મેળાવડા સમારંભો મેળાઓ બંધ રાખવાનો આદેશ રાજ્ય સરકારે કર્યો છે.
ભાવનગર જિલ્લાના કોળીયાક ગામે પણ દર વર્ષે પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે, ભાદરવી અમાસના રોજ તથા ભાદરવા સુદ પાંચમના રોજ કોળીયાક-નિષ્કલંકના દરિયા કિનારે આવેલા ઐતિહાસિક પાંચ પાંડવ સ્થાપિત પુરતન શિવલિંગ સ્થળે દેશ, વિદેશ સહિત દેશના અનેક રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ મહાદેવના દર્શન પુજન તથા સમુદ્ર સ્નાન અર્થે ઉમટી પડતાં હોય છે પરંતુ, ભાવનગર સહિત સમગ્ર દેશમાં કોરોના વાઈરસની મહામારી ફેલાયેલી હોય અને નિષ્કલંક જેવાં સ્થળે લાખોની માનવ મેદની એકઠી થવાના કારણે કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય એવી પ્રબળ શકયતાને અનુસંધાને ભાવનગર જિલ્લા કલેકટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરી આ વર્ષે જિલ્લામાં કોઈ પણ સ્થળે લોક મેળા યોજવા કે લોકોની ભીડ એકઠી થવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકયો છે. આથી આગામી દિવસોમાં નિષ્કલંકના સમુદ્ર તટે યોજાનાર ભાદરવી અમાસ તથા ઋષિ પાંચમનો મેળો બંધ રહેશે તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે અને જાહેરનામાની કડક પણે અમલવારી પણ કરાવવામાં આવશે. તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.