- સરકારે ઇન્જેક્શન આપવાનું શરૂ કરતા, ઝાયડસે ઇન્જેક્શન આપવામાં કર્યો ઘટાડો
- દર્દીના પરિવારનોમાં ફેલાયો દુઃખનો માજોલ, લોકો ફરી રહ્યા છે પરત
- મનસુખ માંડવીયાએ ફરીથી ઇન્જેક્શનનું વેચાણ શરૂ કરવા પંકજ પટેલ સાથે કરી વાતચીત
અમદાવાદ: ઝાયડ્સ કંપની દ્વારા બનાવવામાં આવતા રેમડેસીવીર ઇન્જેક્શનનું પહેલા રૂપિયા 899ના ભાવે વેચાણ કરવામાં આવતું હતું, પરંતુ તાજેતરમાં જ ઇન્જેક્શનનો જથ્થો ખૂટી પડતાં ઝાયડ્સ કંપની દ્વારા વેચાણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઇને દર્દીના પરિવારજનો દ્વારા મોટી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. એક તરફ રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. દર્દીઓની હાલત દરરોજ અને દરરોજ ખરાબ થતી જઈ રહી છે. તેવામાં ઇન્જેક્શનની ઘટ ઉભી થતા મોટી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં 1500 રેમડેસિવિર ઉપલબ્ધ
દર્દીના પરિવારજનોએ લાઇન લગાવી હતી અને ઇન્જેકશનની માંગણી કરી હતી
ઝાયડ્સ કંપની દ્વારા 9 એપ્રિલે જ્યારે જાહેરાત કરવામાં આવી હતી કે, ઇન્જેક્શનનો જથ્થો ખૂટી પડતાં હાલ ઝાયડ્સ હોસ્પિટલમાં રાહત દરે વેચાણ કરવામાં આવતાં ઈન્જેકશનનું વેચાણ બંધ કરવામાં આવ્યું છે, પરંતુ આ મેસેજ મોટાભાગના લોકો સુધી ન પહોંચતા 10 એપ્રિલે સવારે ઝાયડ્સ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીના પરિવારજનોએ લાઇન લગાવી હતી અને ઇન્જેકશનની માંગણી કરી હતી, પરંતુ હોસ્પિટલના સ્ટાફે લોકોને ઇન્જેક્શન નહિ હોવાનું કહી તમામ લોકોને પરત મોકલ્યા હતા. ઇન્જેક્શન લેવા માટે આવતા તમામ લોકો હવે નિરાશ થઈને પરત ફરી રહ્યા છે.
ભાજપના નેતાઓ મોટી સંખ્યામાં ઈન્જેક્શન ક્યાંથી લાવ્યા..?
એક તરફ ઇન્જેક્શન બનાવતી કંપની જ રાહત દરે ઇન્જેક્શન આપવાનું બંધ કર્યું છે અને બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કમલમ્ ખાતે ઇન્જેક્શન વહેંચણી કરી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. હોસ્પિટલ દ્વારા દર્દીના તમામ પુરાવાની ચકાસણી કર્યા બાદ ડોક્ટરના ભલામણ પત્ર બાદ જ મેડિકલ સ્ટોર દ્વારા ઈન્જેક્શન આપવામાં આવી રહ્યું છે તો ભાજપના નેતાઓ મોટી સંખ્યામાં ઈન્જેક્શન ક્યાંથી લાવ્યા તે પણ મોટો સવાલ ઊભો થાય છે.
આ પણ વાંચો: રાજકોટ રેમડેસિવિર ઇંજેક્શન કૌભાંડ મામલે ગુનેગાર વિરુદ્ધ આકરી કાર્યવાહી કરાશે: રાહુલ ગુપ્તા
કોંગ્રેસ પણ સરકારને ઘેરી રહી
મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કે, સરકાર દ્વારા સી. આર. પાટીલને ઈન્જેક્શન આપવામાં આવ્યા નથી. તો સૌથી મોટો સવાલ એ થાય છે કે સી. આર. પાટીલ ઇન્જેક્શન લાવ્યા ક્યાંથી..? આ મુદ્દે કોંગ્રેસ પણ સરકારને ઘેરી રહી છે. ઈન્જેકશનની અછતને લઇને કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ પણ ઝાયડ્સના પંકજ પટેલ સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે, ઝડપથી ફરી ઇન્જેક્શનનું વેચાણ શરૂ કરવામાં આવે તેમજ નાગરિકો પણ તંત્રને સહકાર આપે એવી અપીલ કરી હતી.