● ગુજરાતના ધરખમ લેખક ઝવેરચંદ મેઘાણીની નવલકથાનું ભારતીય સાહિત્યની 10 મહાન કૃતિઓમાં ચયન
● રશિયન અને મેન્ડેરિન ભાષામાં ' વેવિશાળ'નો અનુવાદ
● ભારત સરકારની સાહિત્ય અકાદમીનું પ્રશંસનીય કાર્ય
● ગl વર્ષે વડાપ્રધાને કરી હતી જાહેરાત
અમદાવાદઃ જૂન 2019માં કઝાકિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાયેલી શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) શિખર સંમેલનમાં ભારતીય સાહિત્યની 10 મહાન અદ્વિતીય કૃતિઓનો રશિયન અને ચાઈનીઝ ભાષામાં અનુવાદ કરીને પ્રકાશિત કરવામાં આવશે, તેવી ઘોષણા ભારતના સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. 30 નવેમ્બર 2020માં એસસીઓની વર્ચુઅલ બેઠકમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ આ કાર્ય પૂર્ણ થયું હોવાની જાહેરાત કરી હતી.
● ફ્રેન્ચ ભાષામાં પણ આ નવલકથા ઉપલબ્ધ
અર્વાચીન ભારતીય સાહિત્યની 10 ઉત્તમ કૃતિઓમાં ઝવેરચંદ મેઘાણી લિખિત નવલકથા `વેવિશાળ’ પસંદગી પામી છે, તે વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ માટે સવિશેષ ગૌરવની વાત છે. અમેરિકા સ્થિત ઝવેરચંદ મેઘાણીના પુત્ર અશોક મેઘાણી દ્વારા 2002માં અનુવાદિત અને સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત અંગ્રેજી આવૃત્તિ `The Promised Hand’ પર આ રશિયન (અનુ.કુલદીપ ધીંગરા) - ચાઈનીઝ (અનુ. Liu Jinxiu) ભાષાની અનુવાદિત આવૃત્તિઓ આધારિત છે. 2004માં ફ્રાંસમાં વસતાં ગુજરાતી મોઈઝ રસીવાલાએ `વેવિશાળ’નો સીધો ગુજરાતીમાંથી ફ્રેંચ ભાષામાં અનુવાદ કરીને ત્યાં પ્રકાશિત કર્યો છે.
રાણપુરથી પ્રસિદ્ધ થતાં `ફૂલછાબ’ સાપ્તાહિકમાં તંત્રી તરીકે કાર્યરત ઝવેરચંદ મેઘાણી લિખિત આ પથદર્શક નવલકથા `વેવિશાળ’ 1938માં `ફૂલછાબ’માં હપ્તાવાર પ્રગટ થઈ હતી. સામાન્ય વાચકો અને વિવેચકો, બન્નેએ આ વાર્તા પ્રેમથી વધાવી લીધી હતી. આમાં ચિત્ર કાઠિયાવાડના સમાજજીવનનું હોવા છતાં, અને એના પાત્રોનાં મુખમાં મુકાયેલી ભાષા વગેરેની કેટલીક ખાસિયતો તળપદી કાઠિયાવાડી હોવા છતાં – ગુજરાતીઓ સમસ્તને આમાં વિશેષ રસ પડ્યો હતો. આ વાર્તાના ઘડતરમાં વાચકોના `ઝાઝાને રળિયામણાં હાથ’ પણ કામે લાગ્યાં હતાં. પહેલા હપ્તાથી જ ગામડાં-શહેરોમાંથી, સામાન્ય-સુશિક્ષિતો, સ્ત્રીઓ-પુરુષોનાં કાગળ આવવા શરૂ થયાં હતાં. જેમાં વાર્તાને કઈ-કઈ દિશામાં લઈ જવી તેના નિખાલસ સૂચનો હતાં.
ઝવેરચંદ મેઘાણીએ લાગણીભેર નોંધ્યું છે: `વાર્તાકારની પહેલી ફરજ – અને છેલ્લી પણ – એક જ છે: વાર્તા કહેવી, વાર્તા સારી કહેવીને વાર્તા જ કહેવી. મેં પણ અહીં વાર્તા – બસ, વાર્તા જ – કહેવાનો દાવો રાખેલો છે.’
સાહિત્યકાર-કવિ સ્વ. ઉમાશંકર જોશીએ પણ લખ્યું છે: `વેવિશાળ મેઘાણીની મૌલિક સર્જકતાનો જ્વલંત પુરાવો છે.’
● નવલકથાના ઐતિહાસિક પાત્રો આજે પણ લોકમુખે
`વેવિશાળ’માં સૌરાષ્ટ્રના 2 કુટુંબનાં સંતાનો સુખલાલ અને સુશીલા વચ્ચે તે વખતના જ્ઞાતિ-રિવાજ પ્રમાણે નાનપણમાં ગોઠવાયેલો વિવાહ સંબંધ, સમય જતાં બન્ને કુટુંબો વચ્ચે આર્થિક અસમાનતા ઊભી થતાં ભારે કસોટીએ ચડે છે. વર સુખલાલનો પરિવાર સૌરાષ્ટ્રના નાના ગામમાં વસે, જ્યારે કન્યા સુશીલાનો પરિવાર મુંબઈ શહેરમાં. સુશીલાનો શ્રીમંત પરિવાર કન્યા – વરની અભિલાષાની પરવા કર્યા વગર સંબંધને તોડી નાખવાની મથામણ કરે છે. સુશીલાને પુત્રી સમાન માનતાં તેનાં પ્રેમાળ ગરવા ભાભુનાં સંનિષ્ઠ પ્રયાસોથી આ વિવાહ તૂટતો અટકે છે.ભાભુનો હ્રદયસ્પર્શી સંવાદ : `વેવિશાળ કહો કે વિવા કહો, એ કાંઈ એક પુરુષને એક કન્યા વચ્ચે તો થોડાં જ હોય ? કન્યા વરે છે અને પરણે છે – સાસરિયાના આખા ઘરને, કુળને, કુળદેવને; ઘરે બાંધેલા ગાયના ખિલ્લાનેય. તેમ પુરુષ પણ પરણે છે કન્યાને, કન્યાનાં માવતરને, કન્યાનાં ભાંડરડાંને, કન્યાનાં સગાંવહાલાંને અને કન્યાનાં માવતરના આંગણાની લીલી લીંબડી-પીપળીનેય ...’ ભાભુ અને સુશીલાનાં પાત્રો, આઠ દાયકાઓ પછી આજે પણ, વાચકોનાં હ્રદયમાં અંકિત છે.
● મેઘાણીની બીજી કૃતિઓનો પણ વિવિધ ભાષામાં અનુવાદ થાય તેવી લોકલાગણી
વિશ્વભરમાં વસતાં સાહિત્ય-પ્રેમીઓ મેઘાણી-સાહિત્યને વાંચીને ગુજરાતની મૂલ્યવાન સાહિત્ય-સંસ્કૃતિની વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણીની 125ની જન્મજયંતી વર્ષ નિમિત્તે મેઘાણી-સાહિત્યનો વિશ્વની વિવિધ ભાષાઓમાં અનુવાદ થાય તેવી લોકલાગણી છે.