અમદાવાદ: હાઈકોર્ટે મહત્વનું અવલોકન કરતા નોંધ્યું હતું કે, ધારા 144નું કારણ અને શા માટે લાગુ કરવામાં આવે છે, તે રેકોર્ડ કરવું જરૂરી છે. કોઈ જગ્યાએ 144 શા માટે લાગુ કરવામાં આવી છે, એનું કારણ જાણવું જરૂરી છે, કારણ કે, કોઈ દિવસે પાનના ગલ્લે જો 4- 5 લોકો ઉભા હશે, તો પણ પોલીસ ધારા 144 હેઠળ અટકાયતના ભયથી લોકો બહાર ભેગા થવાનું ટાળશે. આ મુદ્દે સરકારી વકીલ મીતેષ અમીન દલીલ કરી હતી કે, પોલીસે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવા માટે કુલ 107 વખત પરવાનગી આપી છે. જેના હેઠળ જમાંથી કેટલીક મંડળીઓમાં હિંસાની ઘટના બની છે.
અરજદાર વતી વકીલ મીહીર જોષીએ રજૂઆત કરી હતી કે, છેલ્લા ત્રણ વર્ષથી કોઈને કોઈ કારણથી ધારા 144 લાગુ કરી દેવાય છે. આ આદેશને પ્રકાશિત પણ કરવામાં આવ્યું નથી, ત્યારે CAB અને NRCનું IIM બહાર શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરતા વિધાર્થીઓને ડિટેઈન કરવામાં આવ્યા હતા. વાંરવાર ધારા 144ને લાગુ કરવું એ બંધારણના અનુચ્છેદ 19(1)નું ઉલ્લંઘન છે.
અરજદારે ધારા 144ના આદેશને રદ્દ કરવા માટે હાઇકોર્ટના હસ્તક્ષેપ માટે અરજી કરી હતી. જેથી અમદાવાદના નાગરિકો વ્યવસ્થિત રીતે ભેગા થઈ વાણી અને અભિવ્યક્તિ સ્વતંત્રતાને માણી શકે. 16મી ડિસેમ્બરના રોજ આઈઆઈએમ કેમ્પસ બહાર CAA અને NRCના વિરોધમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ ઘટનાથી વ્યથિત થઈને હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
અરજદાર આક્ષેપ કર્યો હતો કે, પોલીસ દરેક સમય આવા નવા નવા આદેશ બહાર પાડે છે. એક આદેશના પુરા થયા બાદ બીજો આદેશ બહાર પાડવામાં આવે છે. આ આદેશો લોકોની વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ છે. લોકો ગીત કે, બેનરો બતાવી શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ પ્રદર્શન કરી શકતા નથી.