અમદાવાદઃ વેબીનારમાં ભાગ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ ગુજકોસ્ટની વેબસાઈટ પરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વિદ્યાર્થીઓ પોતાને મુંઝવતા પ્રશ્રો webinar.gujcost@gmail.com પર મોકલી શકે છે. આ પ્રશ્નો અંગેની ચર્ચા વેબીનારના અંતે પ્રશ્નોત્તરી સેશનમાં કરવામાં આવશે.
શનિવારનાં રોજ સવારે 10.00 વાગ્યે યોજાનારા વેબીનારમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા વ્યવસાયીક શિક્ષણના વિવિધ પ્રવાહો જેવા કે, મેડિકલ, એન્જિનિરીંગ, ફાર્મસી તથા અન્ય ઉભરાતા ટેક્નોલોજી ક્ષેત્રો સાથે સંકળાયેલ વિશાળ તક અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
ગુજકોસ્ટ દ્વારા 30 મેના રોજ વેબીનારનું આયોજન કરાશે આ વેબીનારમાં આઈ.આઈ.ટી ગાંધીનગરના પ્રો.ભાસ્કર દત્તા મૂળભૂત વિજ્ઞાન અંગે થતા સંશોધન કાર્યા વિષે માહિતગાર કરી વિદ્યાર્થીઓને પોતાની રસ-રુચિ અનુસાર કેવી રીતે ઉચ્ચ અભ્યાસ પસંદ કરવો તે અંગે માર્ગદર્શન આપશે. આ યુગમાં રોબોટિક્સ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ તથા ઈન્ટરનેટ ઓફ થિંગ્સ ક્ષેત્રે થયેલા આવિષ્કારોએ માનવ જીવન સરળ બનાવ્યું છે. અવકાશ વિજ્ઞાન તથા રક્ષા ક્ષેત્રે થયેલી હરણફાળ પ્રગતિથી આજે દેશ સેટેલાઇટ અને રોકેટ વિજ્ઞાનની બાબતમાં આત્મનિર્ભર બન્યો છે. એન્જિનિરીંગ અને ટેક્નોલોજી ક્ષેત્રે રહેલી તકો અંગે ISRO સાથે સંકળાયેલા સિનિયર વૈજ્ઞાનિક ડૉ.પારૂલ પટેલ વિસ્તૃત માહિતી આપશે તથા આવનાર સમયમાં ગુજરાતમાંથી વધુમાં વધુ વૈજ્ઞાનિકો બને તે અંગે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. પ્રવર્તમાન કોરોના મહામારી સામે લડવામાં ડૉક્ટર્સ તથા સ્વાસ્થ્યકર્મીઓનું મહત્વપૂર્ણ યોગદાન જોઇને ઘણા વિદ્યાર્થીઓ સ્વાસ્થ્ય તથા ચિકિત્સા ક્ષેત્રે કારકિર્દી બનાવવા પ્રેરાય છે. સ્વાસ્થ્યની જાળવણી તથા નવી-નવી બીમારીઓ સામે લડવા દવા તથા રસીનું સંશોધન કાર્ય પણ વિદ્યાર્થીઓને આકર્ષે છે. મેડિકલ પેરામેડિકલ ઉપરાંત ચિકિત્સા ક્ષેત્રે રહેલા બહોળા અવકાશ અગે જાણકારી આપવા સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં ડૉ ઝરણા ધામેચા પણ વેબીનારમાં જોડાશે. ચાલુ વર્ષે 1.4 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 12ની પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. લોકડાઉનના સમયગાળામાં પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓ તથા વાલીઓને સમયસર કારકિર્દી અંગે માર્ગદર્શન મળી રહે એ ખૂબ જરૂરી હોય, આ મહત્વપૂર્ણ વિષય પર વેબીનારનું આયોજન કરાયુ હોવાનું ગુજકોસ્ટના મેમ્બર સેક્રેટરીએ જણાવ્યું છે.