- વિશ્વમાં દર વર્ષે 7 લાખ લોકો આત્મહત્યા કરે છે
- દર 40 સેકન્ડે એક વ્યક્તિ કરે છે આત્મહત્યા
- આત્મહત્યા અટકાવવા મિત્રતા કેળવવી
અમદાવાદઃ આજે (10 સપ્ટેમ્બરે) વર્લ્ડ સ્યુસાઈડ પ્રિવેન્શન દિવસ (World Suicide Prevention) છે. ત્યારે તમને જાણીને દુઃખ થશે કે, વિશ્વમાં દર વર્ષે 7 લાખ લોકો આત્મહત્યા કરે છે, જેમાં ભારતમાં દર વર્ષે 1.39 લાખ લોકો આત્મહત્યા કરે છે. દર 40 સેકન્ડે એક વ્યક્તિ આત્મહત્યા કરતો હોય છે, પરંતુ જ્યારે તે વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેની અસર તેમના પરિવાર ઉપર પણ થાય છે. સરવે કહે છે કે, આત્મહત્યા કરનારો વ્યક્તિ તેની સાથે સંકળાયેલા અન્ય 6 લોકોના જીવન પર અસર કરે છે. આત્મહત્યા કરનારા વ્યક્તિઓમાં 45 વર્ષથી નીચેના વયજૂથના વ્યક્તિઓનો સૌથી વધુ સમાવેશ થાય છે. ભારતમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં આત્મહત્યાનું પ્રમાણ વધુ છે.
આત્મહત્યા કરનારા 80 ટકા વ્યક્તિઓ શિક્ષિત
આશ્ચર્યજનક રીતે આત્મહત્યા કરનારા વ્યક્તિઓમાં 80 ટકા વ્યક્તિઓ શિક્ષિત હોય છે. મહિલાઓના પ્રમાણમાં પુરુષોમાં આત્મહત્યાનું પ્રમાણ બે ગણું જોવા મળે છે. બીજી તરફ આત્મહત્યા કરનારી 6 વ્યક્તિમાંથી 1 વ્યક્તિ હાઉસવાઈફ હોય છે, જે ઘરેલુ હિંસાનો ભોગ બનેલી હોય છે. આ ઉપરાંત કૌટુંબિક પ્રશ્નો, બેરોજગારી, લાંબા સમયના રોગો, પ્રેમ અને દગો, આર્થિક પરિસ્થિતિ આત્મહત્યા તરફ દોરી જાય છે. વ્યસન પણ વ્યક્તિઓને આત્મહત્યા તરફ દોરી જાય છે.
1,096 હેલ્પલાઈન પર દર વર્ષે 1 હજાર કોલ્સ આવે છે
અમદાવાદ શહેર પોલીસે આત્મહત્યા અટકાવવા 1096 'જિંદગી હેલ્પલાઇન' કાર્યરત કરી છે. અમદાવાદમાં દર વર્ષે આ હેલ્પલાઈન ઉપર 1,000 જેટલા ફોનકોલ્સ આવે છે. આ હેલ્પલાઈન સાથે વર્ષ 2014થી ડોક્ટર રોનક ગાંધી સંકળાયેલા છે, જેમણે ETV Bharatને જણાવ્યું હતું કે, જીવનમાં દરેક વ્યક્તિને 4થી 5 વખત હોય કરવાનો વિચાર આવે જ છે. જ્યારે વ્યક્તિને પ્રશ્નોનું નિરાકરણ નથી મળતું ત્યારે તેને આત્મહત્યાના વિચાર આવે છે. અઘરા કેસોમાં વ્યક્તિનું કાઉન્સેલિંગ તેમ જ સાઈક્યાટ્રિક ટ્રિટમેન્ટની પણ જરૂર પડતી હોય છે. દુઃખના નિવારણ માટે પ્રેમ, સુખનું અસ્તિત્ત્વ, શાંતિ તેમ જ મેડિટેશન કરવું જરૂરી છે. આ માટે સૌથી અગત્યની વાત મિત્રતા કેળવવી જેની સાથે આપણી સુખ અને દુઃખ બંને વહેંચી શકીએ.
આ પણ વાંચો- વિશ્વ સાક્ષરતા દિવસ : શિક્ષાના પ્રચાર અને પ્રસાર માટે મનાવવામાં આવે છે આ દિવસ
આત્મહત્યાના વિચારો અટકાવવાના ચાર ગોલ્ડન વાક્યોઃ
- આઈ એમ સોરી (I am sorry)
- આઈ ફોરગીવ યુ (I forgive you)
- આઈ લવ યુ (I love you)
- થેન્ક્ યુ (Thank you)
રડવું નબળાઈની નિશાની નથી
વ્યક્તિએ હંમેશા યાદ રાખવું જોઈએ કે, બીજાના દોષનો ટોપલો આપમેળે પોતાના માથે ન ઓઢવો. બંધારણમાં જીવન જીવવાનું અધિકાર તે મૂળભૂત અધિકાર છે. રડવું તે મનુષ્ય અને પ્રાણીની સાહજિક પ્રવૃત્તિ છે. તે નબળાઈની નિશાની નથી.