અમદાવાદઃ અમદાવાદની વાત કરવામાં આવે તો, અમદાવાદ શહેરમાં નાગરિકો માટે જાણીતું પિકનિક સ્થળ એટલે 'કાંકરિયા તળાવ'. ખાસ કરીને ઉનાળાના સમયગાળા દરમિયાન જ્યારે વિદ્યાર્થીઓની પરીક્ષા પૂરી થઈ જાય છે.ત્યારે પોતાના માતાપિતા અને મિત્રો સાથે તેઓ કાંકરિયા ફરવા અચૂક જાય છે.કારણ કે,કાંકરિયા 'લેકફ્ર્ન્ટ ડેવલપમેન્ટ અંતર્ગત' અહીં બાળકોને આકર્ષે એવા અનેક આકર્ષણો ઉભા કરાયાં છે.જેમાં પહેલેથી જ ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય 'રૂબિન ડેવિડ પ્રાણીસંગ્રહાલય' છે. જેમાં પ્રાણીઓને કુદરતી વાતાવરણમાં રાખવામાં આવે છે.
તો બીજી તરફ બાલવાટિકા જેવું અમ્યૂઝમેન્ટ પાર્ક પણ છે. શહેરના સ્વાસ્થ્ય પ્રેમી નાગરિકો માટે લેક ફ્રન્ટ પર લટાર મારીને પોતાના સ્વાસ્થ્યની જાળવણી કરવી અનોખો લહાવો છે. તો સ્વાદપ્રેમી રસિયાઓ માટે પણ અહીં વિવિધ પ્રકારના સ્વચ્છ રીતે બનાવેલા વ્યંજનો પણ મળે છે.
જો કે આ તમામ પ્રવૃત્તિઓ પર કોરોનાવાયરસનું ગ્રહણ લાગી ગયું છે. છેલ્લાં ત્રણ મહિનાથી કાંકરિયા લેકફ્રન્ટ શહેરના નાગરિકો માટે બંધ કરવામાં આવેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે કાંકરિયા આમ પ્રજાજનો માટે ક્યારે ખુલ્લું મૂકવામાં આવશે. ત્યારે એ પણ આશંકા સેવાઇ રહી છે કે ડિસેમ્બર મહિનામાં યોજાતો કાંકરિયા કાર્નિવલ યોજાશે કે કેમ ?
અમદાવાદથી આશિષ પંચાલનો અહેવાલ