- ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા
- અમદાવાદમાં જ બને છે ભગવાનના વાઘા
- છેલ્લા 18 વર્ષથી સુનિલ સોની બનાવી રહ્યા છે વાઘા
અમદાવાદઃ ભગવાન જગન્નાથની રથયાત્રા( Jagannathan Rathyatra ) માં આમ તો અનેક આકર્ષણની વસ્તુઓ હોય છે. પરંતુ ભગવાનની આભા જે વસ્તુ દ્વારા ખિલી ઉઠે છે તે છે તેમના વિશિષ્ટ વાઘા. ભગવાન જગન્નાથના આકર્ષણનું મોટું કેન્દ્ર છે રથયાત્રા માટેના વિશિષ્ટ મનમોહક વાઘા. જેને બનાવવાનો રિવાજ વર્ષોથી છે. અમદાવાદમાં શાહપુર ખાતે રહેતા સુનિલ સોની છેલ્લા 18 વર્ષથી ભગવાન માટે આ પ્રકારના વાઘા બનાવી રહ્યા છે.
વાઘાની વિશિષ્ટતા
સુનિલભાઈ પહેલા એક માજી આ વાઘા બનાવતા હતા. તેમણે લગભગ 45 વર્ષ ભગવાનના વાઘા બનાવ્યાં હતા. પરંતુ તેમની ઉંમર થતાં મંદિરે આ કામ અન્યને સોંપ્યું છે. ભગવાન બલભદ્ર, જગન્નાથ અને સુભદ્રાના વસ્ત્રો સાંસ્કૃતિક ડિઝાઇન અને પરંપરા પ્રમાણે બનાવવામાં આવે છે. જેમાં ગુલાબી, લાલ, પીળા, લીલા અને વાદળી રંગના દોરાઓ અને રંગોનો ઉપયોગ થાય છે. આ વસ્ત્રોમાં સોનેરી દોરા અને ઝરી પણ જોવા મળે છે. આ વાઘા બનાવતા દોઢથી બે મહિના જેટલો સમય લાગે છે. દિવસ-રાત આ કામ ચાલે છે. આ માટે મોટાભાગની વસ્તુઓ અમદાવાદમાં જ મળી રહે છે, પરંતુ તેની બોર્ડર કર્ણાટકના બેંગ્લોરથી મંગાવવામાં આવે છે. મૂર્તિ પ્રમાણે વાઘામાં ભગવાનની કોટી અને મુકુટ અને ખેસનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ Rath yatra 2021: રથયાત્રા કાઢવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે- લક્ષ્મણદાસ
સુનિલભાઈ પોતાને ભાગ્યશાળી સમજે છે
ETV Bharat સાથેની વાતચીતમાં સુનિલભાઈએ જણાવ્યું હતું કે, દર વર્ષે રથયાત્રા( Rathyatra )ને દિવસે સવારે તેઓ ભગવાનને વાઘા પહેરાવવા જાય છે. જેમાં તેઓ બલરામને શણગારે છે. તેઓ તેમના પરિવાર સાથે ભગવાનની મંગળા આરતીમાં ભાગ લઈને દર્શનનો લ્હાવો લે છે. વાઘા બનાવવા માટે તેઓ કોઈ ચોક્કસ રકમ લેતા નથી. મંદિર તરફથી જે પણ ભેટ આપવામાં આવે તેને સ્વીકારે છે. આ ઉપરાંત સુનિલભાઈ ગણેશ ઉત્સવ, જન્માષ્ટમી જેવા તહેવારોમાં પણ માંગ મુજબ વાઘા, ખેસ અને મુકુટ તૈયાર કરી આપે છે. તેમના વસ્ત્રો દેશ-વિદેશ સુધી પહોંચે છે. તેઓ એવું ચોક્કસપણે માને છે કે, ભગવાન જગન્નાથની કૃપાદ્રષ્ટિ થકી જ તેમના જીવનમાં શુભ અને સકારાત્મક કાર્યો થયા છે.
આ વર્ષની વાઘાની થીમ
આ વર્ષે ભગવાન જગન્નાથ( Rathyatra )ને લીલા રંગના વાઘા પહેરાવવામાં આવશે. જેનું મુખ્ય કારણ ભગવાન જગન્નાથની દિવ્ય દ્રષ્ટિ લોકો પર પડે અને કોરોના નામનો રાક્ષસ આ દેશ અને જગતમાંથી દુર થાય તેવી કામના છે.
આ પણ વાંચોઃ અમદાવાદ રથયાત્રા પર અસમંજસઃ લોકો વિના 3 રથની રથયાત્રા કાઢવાની અરજી હાઇકોર્ટે ફગાવી