અમદાવાદઃ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા અમદાવાદના આનંદનગર ખાતે રેડિયો મિર્ચી રોડ પર નીલકંઠ એલીગન્સમાં ભાડે રહેતા મૂળ ઘાટલોડિયાના સાઈબાબા મંદિર પાસે આકાંક્ષા એપાર્ટમેન્ટમાં રહેતાં સુરેશ શાહ અને તેના ભાઈ મૂકેશ, સુરેશની પ્રેમિકા કળશ અને કળશની બહેન વિશાખા અને માતા મોનાબહેનની રૂપિયા ચોવીસ લાખથી વધુની ઓનલાઇન ઠગાઇના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સુરેશ અને કળશ દ્વારા ઠગાઈની રકમમાંથી ખરીદેલી નવ લાખની વેન્યુ કાર પણ કબજે કરી છે.
પોલીસ તપાસમાં મળતી વિગતો મુજબ સુરેશની પ્રેમિકા કળશ સીટીએમ ખાતે રહેતાં કિરીટ કાનજીભાઈ ફૂલબારીયાની માલિકીની રોલેક્સ મશીનરી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતી હતી. કળશના પ્રેમી સુરેશના ભાઈ મૂકેશને આ વાતની જાણ થઈ હતી. આથી મૂકેશે સુરેશને ઠગાઇની યોજના સમજાવી પ્રેમિકા કળશને સમજાવવા કહ્યું હતું. ભાઈએ સમજાવેલી યોજના સુરેશે તેની પ્રેમિકા કળશને સમજાવી ઠગાઈમાં સાથ આપવા તૈયાર કરી હતી. આમ સુરેશના કહેવાથી કળશે કંપનીમાં ખોટી ઓનલાઈન એન્ટ્રી કરી રૂપિયા 24,72,786 ઠગાઈ આચરી હતી. આ રકમ તેની માતા મોનાબેન બહેન વિશાખા અને પ્રેમી સુરેશના ભાઈ મૂકેશના બેંકના ખાતામાં ટ્રાન્સફર કરી હતી. કળશે તેમના પોતાના મોજશોખ પૂરા કરવા માટે થઈ આ રકમ ટ્રાન્સફર કરી હતી. આ ઠગાઈની રકમમાંથી બંને પ્રેમીઓએ રૂપિયા નવ લાખની વેન્યુ કારની પણ ખરીદી કરી હતી જે પોલીસે કબજે કરી છે. આ અંગેની જાણ થતાં કિરીટભાઈએ કંપનીમાં થયેલી ઠગાઈ અંગે સાઇબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી જેેની તપાસ દરમિયાન પોલીસે પહેલા સુરેશ જાનીની ત્રણ દિવસ અગાઉ ધરપકડ કરી હતી. ત્યારબાદ તેના રીમાન્ડ મળ્યાં હતાં. રીમાન્ડ દરમિયાન સુરેશની પૂછપરછ કરતાં સુરેશે તેના ભાઈ મૂકેશ પ્રેમિકા કળશ અને તેની બહેન અને માતાનું નામ ખૂલ્યું હતું.
સુરેશ અગાઉ ઘંટાકર્ણ મહાવીર કોમ્પ્લેક્સમાં એડેક્સ ફેશનના નામથી રેડીમેડ ગારમેન્ટનો વેપાર કરતો હતો જે પેઢી હાલ બંધ થઈ ગઈ છે. અગાઉ 2019ની સાલમાં આરોપી સુરેશ વિરુદ્ધ કારંજ પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી.કલમ 224 મુજબ ગુનો નોંધાયો હતો જે ગુનામાં નાસતો ફરતો હતો. સાઇબર ક્રાઇમના એસીપી જીતેન્દ્ર યાદવે જણાવ્યું કે હાલ તમામ આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ ચાલી રહી છે. ઠગાઇની યોજનાનો મુખ્ય સૂત્રધાર મૂકેશ શાહ છે જેમાં પ્રાથમિક પૂછપરછમાં બન્નેએ પોતાના મોજશોખ પૂરા કરવા માટે થઈ ઠગાઈ કરી હોવાનું ખૂલ્યું છે.