અમદાવાદઃ ગત વર્ષે શરૂ થયેલી તેજસ ટ્રેન કુલ 4 રૂટો પર શરૂ થનારી હતી. જે કોરોના મહામારીને કારણે સ્થગિત થઇ હતી. હવે આ ટ્રેન બે રૂટ અમદાવાદથી મુંબઈ અને દિલ્હીથી લખનઉ વચ્ચેના રૂટ પર શરૂ થશે. આ માટે રેલવે બોર્ડ દ્વારા ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ- IRCTCને પરવાનગી આપી દેવામાં આવી છે. જેનું બુકિંગ ટુંક સમયમાં શરૂ થશે.
આ ટ્રેનમાં કોરોના વાઈરસના સંક્રમણને ધ્યાનમાં લઈને રેલવે દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈન લાગુ થાય તેવી સંભાવનાઓ છે. જેમાં પ્રવાસીઓએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી, 50 ટકા કેપીસીટિ સાથે ટ્રેન ચલાવવી, દરેક પ્રવાસીએ માસ્ક ફરજિયાત પહેરવું, દરેક ફેરા બાદ ટ્રેનને સેનીટાઈઝ કરવી, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું વગેરેનો સમાવેશ થશે. આ ઉપરાંત યાત્રીઓને એક મેડીકલ કીટ પણ આપવામાં આવશે. જેમાં માસ્ક, સેનિટાઈઝર, ફેશ શિલ્ડ અને ગ્લોવ્ઝનો સમાવેશ થશે.
આ ઉપરાંત બુલેટ ટ્રેનની વાત કરવામાં આવે તો અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. જાપાનની સહાયતાથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કુલ 1.08 લાખ કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ થવાનો છે. આ યોજનાના લેટેસ્ટ આંકડા મુજબ કુલ 64 ટકા જમીન હસ્તગત કરી દેવાઇ છે. જેમાંથી 82 ટકા ગુજરાત અને કેન્દ્રશાસિત ક્ષેત્ર દાદરા નગર હવેલીમાં, જ્યારે 23 ટકા મહારાષ્ટ્રમાં સંપાદિત કરાઈ છે.
અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી 34,000 લોકોને રોજગારી મળવાની સંભાવના છે. અમદાવાદથી મુંબઇ વચ્ચેના 508 કિલોમીટર જેટલા અંતર આ ટ્રેન ત્રણ કલાકમાં પૂરું કરે તેવી સંભાવના છે. ટ્રેનની મહત્તમ ઝડપ 350 કિમી પ્રતિ કલાક રહેશે. જો કે, બુલેટ ટ્રેન પ્રોજેકટ પૂરો કરવાની ડેડલાઈન 2023 હતી. પરંતુ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર આ પ્રોજેકટની વિરોધી હોવાથી જમીન સંપદાન અને પ્રોજેકટને આગળ વધારવામાં વિલંબ ચોક્કસ થશે.