- પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા વધારવાનો પ્રયાસ
- સ્ટેશનો પર નવી લિફ્ટ અને એસ્કેલેટર્સ લગાવવામાં આવ્યા
- ગ્રીન એનર્જીને મહત્વ આપવાનું કામ કરી રહ્યું છે પશ્ચિમ રેલવે
અમદાવાદ: પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ, વર્ષ 2020-21 એક મુશ્કેલ વર્ષ રહ્યું. કોરોના મહામારી દરમિયાન અનેક અવરોધો હોવા છતાં પશ્ચિમ રેલવેએ ઘણા સીમાચિહ્નો હાંસલ કર્યા અને ઘણા સીમાચિહ્નો બનાવ્યા હતા. પશ્ચિમ રેલવેએ વાઈ-ફાઈ, એલિવેટર્સ અને એસ્કેલેટર, ઊર્જાના નવા સ્ત્રોતોની સ્થાપના, રેલ્વે સંકુલમાં સૌર ઊર્જાથી કાર્યક્ષમ LED લાઇટો, હેડ ઓન જનરેશન (HOG) તકનીકમાં નિયમિત ઇલેક્ટ્રિક લોકમોટિવ્સનું રૂપાંતર કરીને યાત્રી સુવિધાનું પ્રાવધાન તથા સલામત ટ્રેન પરિચાલનમાં અત્યાધુનિક તકનીક પ્રદાન કરવાના પ્રયાસો કર્યા છે.
સ્ટેશનો પર યાત્રીઓ માટે સુવિધાઓ
વરિષ્ઠ નાગરિકો અને જુદા જુદા સક્ષમ લોકોની સુવિધા માટે વર્ષ 2020 -21માં પશ્ચિમ રેલવે દ્વારા 15 લિફ્ટ અને 26 એસ્કેલેટર લગાવવામાં આવ્યા હતા. આમ, પશ્ચિમ રેલવે પાસે લિફ્ટ અને એસ્કેલેટરની કુલ સંખ્યા અનુક્રમે 106 અને 105 પર પહોંચી છે. વર્ષ 2020-21માં પશ્ચિમ રેલવેના 25 સ્ટેશનો પર ઝડપી અને મફત વાઈ-ફાઈ સ્થાપિત કરવામાં આવ્યું હતું. પશ્ચિમ રેલવેએ તમામ 726 ઇલેક્ટ્રિફાઇડ સ્ટેશન પર સૌર ઉર્જાથી કાર્યક્ષમ LED લાઇટ્સ લગાવવામાં આવી છે. જેના લીધે રોશનીના સ્તરમાં સુધારો થયો અને તે સાથે દર વર્ષે લગભગ 12 કરોડ રૂપિયાની રિકરિંગ બચત થઈ છે. આ ઉપરાંત, વર્ષ 2020-21 દરમિયાન 75 સ્ટેશનોને એરપોર્ટ જેવી લાઇટિંગ આપવામાં આવી હતી. જે હવે પશ્ચિમ રેલવેના 186 સ્ટેશનો સુધી પહોંચી છે.
આ પણ વાંચો: અમદાવાદ ડિવિઝનના 13 મોટા રેલવે સ્ટેશનોની પ્લેટફોર્મ ટિકિટના ભાવ વધ્યા
ગત વર્ષ કરતા આ વર્ષે વીજ બીલમાં 26.26 ટકા બચત
રેલવે દ્વારા કાર્બન ફૂટપ્રિન્ટ્સ ઘટાડવાના લક્ષ્ય સાથે આ દિશામાં વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. પશ્ચિમ રેલવે દ્વારા 9.44 મેગાવોટનો સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ સ્થાપિત કરીને ગ્રીડ સાથે જોડાયેલા છે. પરિણામે આ એકમોમાંથી ગ્રીન એનર્જી ઉત્પન્ન થવાથી એનર્જી બિલમાં દર મહિને આશરે 25 લાખ રૂપિયાની રિકરિંગ બચત થાય છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન સંચિત બચત રૂપિયા 2.84 કરોડ રહી છે. જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 26.26 ટકાનો વધારો છે.
હેડ ઓન જનરેશન(HOG) સિસ્ટમ પર ટ્રેનોનું સંચાલન
પશ્ચિમ રેલવે હાલમાં હેડ ઓન જનરેશન (HOG) સિસ્ટમ પર 67 જેટલી ટ્રેનો નિયમિત દોડાવે છે. જે ભારતીય રેલવેમાં સૌથી વધુ છે. હેડ ઓન જનરેશન પ્રણાલીને અપનાવવાના પરિણામે પશ્ચિમ રેલવેએ ચાલુ નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન રૂપિયા 66.08 કરોડની ચોખ્ખી બચત કરી છે.
આ પણ વાંચો: રેલવે આઇસોલેશન કોચ કોઈ કામમાં આવ્યા નહીં !
પશ્ચિમ રેલવેને મળેલા એવોર્ડ
પશ્ચિમ રેલ્વેને વિદ્યુત મંત્રાલયના બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી દ્વારા સ્થાપિત રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ એવોર્ડ - 2020 પરિવહન શ્રેણીમાં પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત સંસ્થાન કેટેગરીમાં 2 એવોર્ડ પ્રાપ્ત થયા હતા, જે પૈકી ડિવિઝનલ રેલ્વે મેનેજર કાર્યલય, ભાવનગરને પ્રથમ ઇનામ અને ડિવિઝનલ રેલ્વે મેનેજર કાર્યાલય, રાજકોટને બીજુ પુરસ્કાર મળ્યો હતો. આ એવોર્ડ જાન્યુઆરી 2021 માં નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજીત ઓનલાઇન સમારોહમાં વિદ્યુત અને નવીનીકરણીય ઊર્જા મંત્રી આર. કે. સિંહ દ્વારા આપવામાં આવ્યો હતો.