અમદાવાદઃ શહેરમાં દિન પ્રતિદીન મોબાઇલ ફોન, ઇન્ટરનેટ અને ઇ-કોમર્સના વધતા જતા પ્રભાવ વચ્ચે ગુનેગારો દેશના કોઇપણ ખૂણેથી અપરાધને અંજામ આપી શકે છે. મોબાઇલથી બનતા આવા ગુનાઓ અટકાવવા માટે સીમકાર્ડની ખરીદી દરમ્યાન યોગ્ય કાર્યરીતિનું પાલન થાય તે જરૂરી છે.
આથી અમદાવાદ પોલીસ કમિશ્નર વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની જાળવણી માટે મોબાઇલ સીમકાર્ડ ખરીદનાર વ્યક્તિના માન્ય ઓળખકાર્ડ તથા રહેઠાણના દસ્તાવેજો ડિસ્ટ્રિબ્યુટર/ રીટેઇલર વિક્રેતાઓ દ્વારા તેની ઝેરોક્ષ તથા ડિજિટલ ફોર્મમાં તેના પુરાવાઓ જાળવવા અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે આદેશ આપ્યો છે.
આ અંગેના ડિસ્ટ્રિબ્યુટર/ રિટેઇલર દ્વારા ડિજિટલ એક્ટીવેશન થકી DKYC/eKYC કરી તેની માહિતી એક્સેલ ફોર્મેટમાં કરી તેને ત્રણ વર્ષ સુધી જાળવી રાખવાની રહેશે. તેની હાર્ડ કોપી પણ રાખવાની રહેશે. આ દરમિયાન ડેટાની ચોરી કે કરપ્ટ ન થાય તે જોવાની જવાબદારી ડિસ્ટ્રિબ્યુટર/ રિટેઇલર વિક્રેતાની રહેશે. સીમકાર્ડ ખરીદનાર વ્યક્તિના માન્ય ઓળખપત્ર તથા રહેઠાણના દસ્તાવેજોના પુરાવાની માહિતીનું રજિસ્ટર નીભાવી તેની ત્રણ વર્ષ સુધી જાળવણી કરવાની રહેશે.
તા. 12 ઓક્ટોબર, 2020 સુધી અમલી આ આદેશનો ભંગ કરનાર આઇ.પી.સી.ની કલમ- 188 હેઠળ શિક્ષાપાત્ર બનશે એમ જાહેરનામામાં ફરમાવાયું છે.