અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે શુક્રાવારે કોરોના કાળમાં શાળાઓની ફીને લઈને ચુકાદો આપતા જણાવ્યું હતું કે, સરકાર ખુદ શાળાઓની ફી નક્કી કરવા સક્ષમ છે. સરકારે ખુદ ફી નક્કી કરવા યોગ્ય પગલાં લેવા પડશે. આ મુદ્દાને લઇ કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ રાજ્ય સરકાર પર ફી ના મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, શાળા, કોલેજ શરૂ ન થાય તો ફી શેની? ફી ના મુદ્દે કોંગ્રેસે અગાઉ રાજ્યપાલ સમક્ષ પણ રજૂઆત કરી હતી. રાજ્ય સરકાર સંચાલકોના પક્ષમાં હમેશાં રહી છે. વાલીઓની માગ અને કોર્ટને ફી મુદ્દે ખો આપીને સરકારે બે મહિનાથી કોઇ નિર્ણય લીધો નથી અને ખાનગી સંચાલકોને ફરી એકવાર ઘી-કેળા મળે એવું કામ સરકારે કર્યું હતું.
વધુમાં જણાવ્યું કે, રાજ્યની ભાજપ સરકાર ગુજરાતના શાળા સંચાલકોની વકીલાત કરે છે. સરકારને પહેલાથી જ ખબર હતી કે એપેડમિક એક્ટ હતો, તો પછી સરકારે કેમ કોઇ પગલા નથી લીધા? આ સાથે કોંગ્રેસે એક સત્રની ફી માફ કરવા માગ કરી છે. સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત આપવા કોંગ્રેસ પક્ષે માગ કરી છે.
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે, 25 ટકા ટ્યુશન ફી ઘટાડા બાબતે સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં શાળા સંચાલકો વિરુદ્ધ કરવામાં આવેલી અરજીની શુક્રવારે સુનવણી થતા ગુજરાત સરકાર, શાળા સંચાલકો તથા ઓલ ગુજરાત વાલી મંડળ તરફથી થયેલી રજુઆતોને ધ્યાનમાં રાખી ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકારને રાજ્યમાં ચાલતી તમામ શાળાઓની ટ્યુશન ફી શાળાઓ પૂર્ણ રૂપે ચાલુ ન થાય ત્યાં સુધી ફી ઘટાડવા બાબતે નિર્ણય લેવાની તમામ સત્તાઓ છે. તેવું જણાવી સરકારને સત્વરે નિર્ણય જાહેર કરવા નિર્દેશ કરેલો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ઉપરોક્ત બાબતે શાળા સંચાલકો દ્વારા ઉઘરાવવામાં આવતી ટ્યુશન ફી સિવાયની તમામ ફી ગુજરાત સરકાર દ્વારા તેમજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા અગાઉથી જ માફ કરવામાં આવેલી છે. જેથી શાળાઓ પૂર્ણ રૂપે શરૂ ન થાય ત્યાં સુધી ટ્યુશન ફી બાબતે વધુમાં વધુ રાહત મળી રહે તેવો નિર્ણય લેવા વાલીઓની માગ છે.
શિક્ષણ જગત સાથે સંકળાયેલા શિક્ષણવિદોનું માનવું છે કે, હવે હાઇકોર્ટના હુકમથી સરકારને પૂરી સતા છે કે, તેઓ વિધાર્થીઓની એક ટર્મની ફી માફ કરીને વાલીઓને આ કોરોનાના કપરા કાળમાં રાહત આપે.