- રામોલનો TRB જવાન બન્યો નકલી પોલીસ જવાન
- રાત્રિ કરફ્યૂનો લાભ ઉઠાવી પૈસા કમાવવોનો પ્લાન બનાવ્યો
- આરોપી કાયદેસરની કાર્યવાહી કરવાની ધમકી આપી લોકોને લૂંટતો હતો
અમદાવાદઃ શહેરમાં રાત્રે 8 વાગ્યાથી કરફ્યૂ લાગી જાય છે. તે સમયે શહેરની પોલીસ અલગ અલગ નાકાબંધી પોઈન્ટ પર ગોઠવાઈ જાય છે. પોલીસ જવાનો રાત્રે કામ વગર બહાર ફરતા લોકો સામે કાર્યવાહી કરે છે. પરંતુ રામોલ વિસ્તારમાં રહેતા TRB જવાને નકલી પોલીસ જવાન બની લોકોને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે, પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.
નકલી પોલીસે રિક્ષાચાલક પાસેથી 580 રૂપિયા પડાવી લીધા
આ અંગે મળતી માહિતી અનુસાર, રામોલ વિસ્તારમાં એક TRB જવાન તેની સાથે એક શખ્સને રાખીને નકલી પોલીસ બનીને રિક્ષાચાલકને ઉભો રાખ્યો હતો. ત્યારબાદ કરફ્યૂમાં કેમ બહાર ફરે છે તેમ કહી તેની પાસેથી ખંડણી માગી હતી. જોકે, રિક્ષાચાલકે દિવસની કમાણીના માત્ર 580 રૂપિયા હોવાનું કહ્યું હતું. જોકે, નકલી પોલીસે રિક્ષાચાલક પાસેથી તે રૂપિયા પડાવી લીધા હતા.
આ પણ વાંચોઃ પ્રાણવાયુની કાળાબજારી કરતા 2 શખ્સોની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
પોલીસે TRB જવાન પ્રદિપ મોરેની ધરપકડ કરી
જોકે, ત્યારબાદ રિક્ષાચાલકે કંટ્રોલ રૂમમાં ફોન કરતા બંને આરોપી ભાગવા લાગ્યા હતા. તે દરમિયાન TRB જવાન પ્રદિપ મોરે ઝડપાઈ ગયો હતો. જ્યારે તેની સાથે રહેતો અન્ય આરોપી ભાગી ગયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. આરોપી સિંગરવા ચાર રસ્તા ખાતે ફરજ બજાવતો હોવા છતાંય તે અન્ય વિસ્તારમાં જઈને આ રીતે લોકો પાસેથી પૈસા પડાવતો હતો. જ્યારે ભાગી ગયેલો વ્યક્તિ ગૌતમ હાલ ક્યાં છે. તે બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે.